<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

વિસાવદર સરકારી હોસ્પિટલનાં લોકપ્રિય ડો. પાર્થ ફૂલેત્રાનાં ભત્રીજા ક્રેનશ ફૂલેત્રાએ ક્રિકેટ જગતમાં ડંકો વગાડ્યો: સોરઠના સૌપ્રથમ આઈપીએલ ખેલાડી બનવાનુ બહુમાન હાંસલ કર્યું

સમગ્ર સોરઠમાં ક્રિકેટ રસિકોમાં હરખની હેલી : સન્માન સમારોહનાં ભવ્ય આયોજન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર સરકારી હોસ્પિટલનાં લોકપ્રિય ડો. પાર્થ ફૂલેત્રાનાં ભત્રીજા ક્રેનશ ફૂલેત્રાએ ક્રિકેટ જગતમાં ડંકો વગાડ્યો છે. સોરઠના સૌપ્રથમ આઈપીએલ ખેલાડી બનવાનુ બહુમાન હાંસલ કર્યું છે ત્યારે સમગ્ર સોરઠમાં ક્રિકેટ રસિકોમાં હરખની હેલી વ્યાપી છે.  સન્માન સમારોહનાં ભવ્ય આયોજન કરાયાં છે.

સોરઠના પાટીદાર યુવાને ક્રિકેટ જગતમાં ડંકો વગાડ્યો છે. સમગ્ર સોરઠમાં સૌપ્રથમ આઈપીએલમાં સ્થાન મેળવવાનુ બહુમાન ક્રેનશ ફૂલેત્રાનાં શીરે અંકિત થયેલ છે. સોરઠના ‌માળિયા હાટીના ગામનો ખેડૂત પુત્ર ક્રિકેટ ક્ષેત્રે‌ ઝળક્યો છે. આઈપીએલ-૨૦૨૬ની ઓક્શનમાં આ યુવાન પસંદગી પામ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ખેડૂત પુત્ર ક્રેનશ ફુલેત્રાએ ક્રિકેટ ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી છે. ૨૦ વર્ષીય ક્રેનશની આઈપીએલ-૨૦૨૬ની મીની ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ  દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિથી તેણે માળિયા હાટીના અને સમગ્ર સોરઠ જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ક્રેનશ ફુલેત્રા વલ્લભભાઈ ફુલેત્રાના પૌત્ર અને ભાવેશભાઈ ફુલેત્રાના પુત્ર છે. તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે અને માળિયા હાટીનામાં 'ભાગ્યોદય પાન' નામની દુકાન પણ ચલાવે છે. ક્રેનશના પિતા અને કાકા પણ ખેતીના કાર્યમાં મદદ કરે છે. ક્રેનશને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ઊંડો રસ હતો. શાળાકીય સ્પર્ધાઓમાં પણ તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતો અને હંમેશા પ્રથમ સ્થાન મેળવતો હતો. તેની આ પ્રતિભા અને મહેનત તેને આઈપીએલ સુધી લઈ ગઈ. તેણે સૌપ્રથમ જૂનાગઢ ખાતે સારું પ્રદર્શન કરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. ધીમે ધીમે તેણે પોતાની રમત સુધારી અને આખરે આઈપીએલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ક્રેનશ ફુલેત્રા જૂનાગઢ જિલ્લામાંથી ક્રિકેટ ક્ષેત્રે આઈપીએલ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે, જે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. માળીયા હાટીના ગામના યુવા ક્રિકેટરનો આઈપીએલમાં હૈદરાબાદની ટીમમાં સમાવેશ થતા સમગ્ર તાલુકામાં ઉત્સાહ છવાયો હતો. ગ્રામજનોએ ફટાકડા ફોડી હરખ મનાવ્યો હતો. આઈપીએલમાં  પસંદગી પામનાર જૂનાગઢ જિલ્લાનો પ્રથમ ખેલાડી છે.

જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીનાના વતની ભાવેશભાઈ ફુલેત્રાનો પુત્ર ક્રેન્સ હવે આઈપીએલમાં ટુર્નામેન્ટમાં જોવા મળશે. માળિયા હાટીનાના પટેલ સમાજના આગેવાન વલ્લભભાઈ રવજીભાઈ ફુલેત્રાનો ૨૦ વર્ષનો આશાસ્પાદ નવ યુવાન પૌત્ર અને ભાવેશભાઈ ફુલેત્રાનો પુત્રનો આઈપીએલ ટુર્નામેન્ટમાં ગૌરવભેર પસંદગી પામ્યો છે. શરૂઆતનું પરીક્ષણ જૂનાગઢથી મેળવ્યું હતું. ત્યારબાદ અનેક ટુર્નામેન્ટ અને ટ્રોફીમાં રમીને સાતત્યપૂર્ણ સરસ દેખાવ કરી આઈપીએલ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. આઈપીએલમાં પસંદગી પામનાર ખેલાડી જૂનાગઢ જિલ્લાનો સૌ પ્રથમ ખેલાડી છે.આ ખેલાડીએ માળિયા હાટીના જ નહીં પરંતુ સમગ્ર સોરઠ પંથક અને સૌરાષ્ટ્ર સહિત પટેલ સમાજનું ગૌરવ વધાયું છે. સમગ્ર માળીયાહાટીના ગામમાં અને તાલુકામાં ઉત્સાહ જોવા મળ્યો છે અને સ્ટેશન દરવાજા ચોકમાં ગ્રામજનોએ ફટાકડા ફોડી હરખ મનાવ્યો છે

(1:36 PM IST)