News of Sunday, 21st December 2025
જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ :અન્ય આરોપીઓની શોધખોળ
ખીજડીયા બાયપાસ નજીક અપહરણનો બનાવ : પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકને માર મારીને ધમકાવ્યો હતો: યુવકના અપહરણના કેસમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરથી એક યુવાનનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણ (Love Affair) ની અદાવતમાં બનેલી આ ઘટનામાં પંચકોશી એ-ડિવિઝન પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
માહિતી મળતી માહિતી મુજબ ગત તારીખ 17 ડિસેમ્બરના રોજ જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ખીજડીયા બાયપાસ પાસે સુરેશ ટોયાર નામના યુવાનનું 5 શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ યુવાનને પકડી પાડી તેને નિર્જન સ્થળે લઈ જઈ લાકડીઓ અને ઢીકાપાટુનો બેરહેમ માર માર્યો હતો. આટલું જ નહીં આરોપીઓએ સુરેશને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી.
અપહરણ પાછળનું કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર વિવાદનું મૂળ પ્રેમ પ્રકરણ છે. ફરિયાદી સુરેશ ટોયારના એક સંબંધીએ આરોપીની દીકરીને ભગાડી ગયા હતા. આરોપીઓને એવી શંકા હતી કે સુરેશે તેના સંબંધીને દીકરી ભગાડવામાં મદદ કરી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ સુરેશને નિશાન બનાવ્યો હતો અને બદલો લેવાના આશયથી તેનું અપહરણ કર્યું હતું.
પોલીસ કાર્યવાહી ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે જામનગર પંચકોશી એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારપીટ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ પાંચ પૈકીના એક મુખ્ય આરોપી પિયુષ ચિરોડીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
