<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

ભાવનગર મનપાના બેવડા ધોરણો ? શહેરભરમાં બિસ્માર મિલકતોને નોટિસ ફટકારી ,પણ પોતાનું જ શોપિંગ સેન્ટર 'મોતના ફાંદા' સમાન !

પાલિકા દ્વારા શહેરમાં બિસ્માર મકાનો, બિલ્ડીંગ અને કોમ્પ્લેક્ષ ધારકોને નોટિસ: ગંગાજલિયા તળાવ વિસ્તારમાં મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર: જ્યાં ત્યાં ગાબડાંઓ પડી ગયા, બાલ્કનીની દીવાલો તૂટી ગઈ

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં બિસ્માર મકાનો, બિલ્ડીંગ અને કોમ્પ્લેક્ષ ધારકોને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગંગાજલિયા તળાવ વિસ્તારમાં મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા લાંબા વર્ષોથી બિસ્માર બન્યું છે. જ્યાં ત્યાં ગાબડાંઓ પડી ગયા, બાલ્કનીની દીવાલો તૂટી ગઈ છે. સાથે જ શોપિંગ સેન્ટર મુખ્ય બજારમાં વિસ્તારમાં આવ્યું હોવાથી લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. તેવામાં હવે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું...

 

 ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર મકાનો, બિલ્ડીંગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિકોને નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાનો તર્ક છે કે, જર્જરિત મિલકતોને કારણે જાનહાનિ ન થાય તે માટે આ પગલાં અનિવાર્ય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, બીજાને શિખામણ આપતી મહાનગરપાલિકા પોતે જ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલા પોતાના બિસ્માર શોપિંગ સેન્ટર પ્રત્યે આંખ આડા કાન કરી રહી હોય તેમ જણાય છે.

 

ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલું આ મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડીંગની સ્થિતિ જોતા એવું લાગે છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. શોપિંગની છત પર ગાબડાંઓનું સામ્રાજ્ય અને છત પર મોટા ગાબડાં પડી ગયા છે. તૂટતી બાલ્કની,  બાલ્કનીની દીવાલો અને રેલિંગના ભાગો તૂટીને નીચે પડી રહ્યા છે. ધમધમતો વિસ્તાર આ સેન્ટર મુખ્ય બજારમાં આવેલું હોવાથી અહીં દિવસભર લોકોની અને વાહનોની ભારે અવરજવર રહે છે. સ્થાનિક લોકોમાં અત્યારે ભારે ભયનો માહોલ છે. રાહદારીઓ અને વેપારીઓનું કહેવું છે કે, જો આ બિલ્ડીંગનો કોઈ હિસ્સો ચાલુ બજારે નીચે પડે, તો મોટી જાનહાનિ થઈ શકે છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે, સામાન્ય નાગરિકોની મિલકતો સામે તાત્કાલિક લાલ આંખ કરતી મનપા પોતાના જ હસ્તકની આ જોખમી! ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, શું મનપા કોઈ મોટી હોનારત સર્જાયા બાદ જ જાગશે? કે પછી સમય સૂચકતા વાપરીને આ બિસ્માર શોપિંગ સેન્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? હાલ તો આ પ્રશ્ન ભાવનગરની જનતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(7:04 PM IST)