News of Monday, 22nd December 2025
કચ્છમાં અકસ્માતમાં ર ના મોત : ૩ વાહનો ભસ્મીભૂત

ભૂજ, તા. રર : કચ્છના રસ્તાઓ પર ફરી એકવાર લોહિયાળ સ્થિતિ સર્જાઈ છે. ભચાઉ નજીક હાઈવે પર એક હચમચાવી દેનારી ઘટના બની છે, જેમાં ૩ વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે ૨ જિંદગીઓ છીનવી લીધી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળનું દ્રશ્ય ખૂબ જ ડરામણું બની ગયું હતું.
ભચાઉ તાલુકાના કેસરીગઢ પાસે આ દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એક કાર, ટ્રેલર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે જોતજોતામાં ત્રણેય વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. રોડ પર દોડતા વાહનો ક્ષણભરમાં અગનગોળામાં ફેરવાઈ ગયા હતા. આગની જ્વાળાઓ આકાશને આંબી રહી હતી, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનોમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ગોઝારા અકસ્માતનું સૌથી દુખદ પાસું એ હતું કે કારમાં સવાર એક માસૂમ બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત અન્ય ૧ વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો છે, આમ કુલ ૨ લોકોના મોત થયા છે. જોકે, કુદરતનો ચમત્કાર ગણો કે નસીબ, કારમાં સવાર દંપતી (પતિ-પત્ની)નો આબાદ બચાવ થયો છે. સ્થાનિક લોકો અને બચાવ ટુકડીએ તાત્કાલિક પતિ-પત્નીને કારમાંથી બહાર કાઢયા હતા. જોકે, તેઓ ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર અર્થે તાત્કાલિક ભૂજની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત અને ત્યારબાદ લાગેલી આગને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે મળતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા. રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. વળી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
