News of Tuesday, 23rd December 2025
બાલ્યાવસ્થામાં ઘર છોડી ચાલ્યા ગયેલા એકના એક પુત્રનું ૨૫ વર્ષે પરિવાર સાથે મિલન
અમદાવાદના રિક્ષાચાલકોએ મદદ કરી અને ગોંડલના ખડવંથલીના પુનાભાઇ ભુંડીયા પોતાના પરિવારને મળી શકયા

ગોંડલ તા.૨૩ ગોંડલ તાલુકાનાં ખડવંથલીનાં રહેવાસી અને હાલ રાજકોટ રહેતા ભરવાડ પરીવારનો એકનો એક પુત્ર ૧૪ વર્ષ ની ઉમરે ઘર છોડી ચાલ્યો ગયા બાદ ૨૫ વર્ષે ઘરે પરત ફરતા પરીવાર માં ખુશીનો માહોલ છવાયો હતો. પુત્ર નાં વિરહમાં ભાંગી પડેલા અને બિમાર રહેતા પિતાને જાણે નવી જિંદગી મળી એવો હરખ હતો.
પ્રાપ્ત વિગત મુજબ મુળ ખડવંથલીનાં અને હાલ રાજકોટ નાણાવટી ચોક સરકારી ક્વાર્ટરમાં રહેતા ચકાભાઇ ભુંડીયાને એક પુત્ર અને ચાર પુત્રીઓ છે.આર્થિક અતિ નબળી પરિસ્થિતિ વચ્ચે જીવનનું ગાડુ ગબડતું હતુ. પિતા અને ૧૪ વર્ષનાં પુત્ર પુનાને જીવનનિર્વાહ તથા ચાર ચાર દિકરીઓને પરણાવવાની મોટી જવાબદારી હતી. પુનાભાઇએ રાજકોટમાં મજુરી શરુ કરી, પરંતુ આછી પાતળી આવકમાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનતા બહાર જઈ કંઇક કમાઇને પરીવારને મદદરૂપ થવા માટે ૧૪ વર્ષ ની ઉમરે ઘર છોડ્યુ. થોડો સમય કચ્છમાં રહી બાદમાં અમદાવાદ પંહોચ્યા. મહેનત મજુરી કરી બહેનોનાં લગ્ન કરાવી પિતાનો આધાર બનવાની લગનમાં અમદાવાદને આશ્રય સ્થાન બનાવ્યું. આ બાજુ એકનો એક પુત્ર ઘર છોડી ચાલ્યો જતા ચકાભાઇ ઉપર જાણે આભ તુટી પડ્યુ. પુત્રની અનેક જગ્યાએ શોધખોળ કરી પણ કોઈ પતો લાગ્યો નહી. આખરે દિલ પર પથ્થર ધરબી જીવનડગરને આગળ ધપાવી.સમયનું ચક્ર ફરતુ ગયુ. દિકરીઓ એક પછી એક મોટી થતી ગઇ, સમય કયારેય બંધાતો નથી. પુત્રની રાહમાં ને રાહમાં દિકરીઓનાં લગ્ન પણ થઇ ગયા. હવે ઘડપણમાં પુત્રનો વલોપાત રોગ બની શરીરમાં પ્રસરી ગયો હોય તેમ ચકાભાઇ બિમાર રહેવા લાગ્યાં.
બીજી બાજુ જે અરમાનો સાથે પુનાભાઇ એ ઘર છોડ્યું હતું કે સારી કમાણી કરી પિતાને મદદરૂપ થવું એ સ્વપ્ન અઘરુ બનતું ગયુ.મજુરી કામ માં ખુબ થોડા પૈસા મળતા હતા. ચા ની કિટલી પર કે કડીયાકામ થી લઇ અનેક કામ કર્યા.પણ જીવન દોહ્યલુ છે.એ વાસ્તવિકતા નજર સામે આવી. ટુંકી મજુરીમાં બચત થવી મુશ્કેલ હતી. હવે ઘરે પરત ફરી મોઢું કઇ રીતે બતાવવું? અહી પણ સમયનું ચક્ર ફરતું ગયુ. નિરાશા તન, મનને ઘેરી વળી,૧૪ વર્ષની વયે પુનાભાઇએ ઘર છોડ્યું હતું. આજે તે ૪૦ વર્ષનાં હતાં. માત્ર મજુરી થી ઘર પરિવારનો નિભાવ શકય નાં હોય અને તકદિર પણ સાથ આપતું નાં હોય પુનાભાઇ માનશીક તુટી ગયાં અને બિમારી એ ઘર કર્યુ. છેલ્લે માંદગી એટલી હદે વધી કે લોહીની ઉલ્ટીઓ થવા લાગી. આખરે ઘર યાદ આવ્યું.
અમદાવાદનાં ઓઢવમાં કેટલાક પરીચીત બનેલા રિક્ષા ચાલકોને ગોંડલનાં ખડવંથલીની હકીકત કહી સરનામુ આપ્યું. માનવતાવાદી રિક્ષા ચાલકોએ વાયા મિડીયા પુનાભાઇનાં પરીવાર સુધી વાત પહોચાડી અને આખરે ૨૫ વર્ષે પુનાભાઇનો પરીવાર સાથે ભેટો થયો.
આ વિતકકથામાં ગોંડલનાં માનવતા વાદી તબીબ ડો.રાદડીયાએ સરાહનીય કાર્ય કર્યુ. પુનાભાઇની સંઘર્ષ કથામાં નિષ્ફળતા એ તેમને નિર્બળ બનાવી મુકતા તેમના ફેફસા માત્ર વીસ ટકા કાર્યરત હતા.વધુમાં હોજરી અને આંતરડામાં અલ્સર થયુ હતુ.
આવી સ્થિતિમાં ડો.રાદડીયાએ પુનાભાઇની સારવાર શરુ કરી. સ્નેહ સાથેની સારવાર થી કળશક બની ગયેલા પુનાભાઇ માં નવી ચેતના આવી અને પરીવારે પણ તબીબ રાદડીયા અને ઇヘરનો આભાર માન્યો છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
