<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

વાંકાનેરના ઢુવામાં કંપનીના કમ્‍પાઉન્‍ડમાં રીવર્સ આવેલી કારની ઠોકરે ૧૪ મહિનાની આયુષીનું મોત

મુળ મધ્‍યપ્રદેશના પરિવારે લાડકવાયી દિકરી ગુમાવતાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૩: વાહન અકસ્‍માતના બનાવમાં ચાલકની બેદરકારીને કારણે એક મજૂર પરિવારની ૧૪ મહિનાની વય ધરાવતી દિકરીનું મોત થયું છે. કંપનીના કમ્‍પાઉન્‍ડમાં આ બાળકી રમી રહી હતી ત્‍યારે કલર કામ કરવા આવેલા યુવાને પોતાની કાર રિવર્સમાં લીધી તે વખતે આ બાળકી કારની ઠોકરે આવી ગઇ હતી અને મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેરના ઢુવા ગામે આવેલી ક્‍યુટન સીરામીકમાં કામ કરતાં અને ત્‍યાં જ ક્‍વાર્ટરમાં રહેતાં  મુળ મધ્‍યપ્રદશેના જીતેશભાઇ સુરપસિંગ ઠાકુરની દિકરી આયુષી (ઉ.૧૪ મહિના) ગત ૨૦મીએ  સાંજે પાંચેક વાગ્‍યે કંપનીના કમ્‍પાઉન્‍ડમાં રમી રહી હતી ત્‍યારે રિવર્સમાં આવેલી કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાઇ હતી. અહિ આજે સવારે બાળકીનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર આયુષી ત્રણ ભાઇથી નાની હતી. પિતા જીતેશભાઇએ કહ્યું હતું કે કંપની ખાતે મનિષભાઇ નામનો યુવાન કલરકામ કરવા માટે આવ્‍યો હતો. તેણે પોતાની કાર રિવર્સમાં લીધી ત્‍યારે પાછળ મારી દિકરી રમતી હોઇ તેને ઠોકરે ચડાવી દીધી હતી. વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:55 AM IST)