<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

વિસાવદર પંથકના આસપાસના વિસ્‍તારોને ઈકો ટુરિઝમ ક્ષેત્રે વિકસિત કરવા કૌશિક વેકરીયા સમક્ષ હર્ષદ રિબડીયાની માંગ

પૂર્વ ધારાસભ્‍ય રિબડીયા પ્રતિનિધિ મંડળ સાથે કાયદા મંત્રી વેકરીયાને અમરેલી રૂબરૂ જઈ મળ્‍યા : સવિસ્‍તાર રજૂઆત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૩ : વિસાવદર-ભેસાણ વિસ્‍તારનાં પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રિબડીયાના જણાવ્‍યા અનુસાર સાસણનું સિંહ અભયારણ્‍ય પ્રોટેક્‍ટેડ એરિયા હોવા છતાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ઈકો ટુરિઝમ અંતર્ગત વિશ્વવિખ્‍યાત ટુરીઝમ કેન્‍દ્ર તરીકે વિકસિત થયું છે તેવી જ રીતે સાસણ જેવું જ કલાયમેટ અને કુદરતી સૌંદર્ય ધરાવતા વિસાવદર, ધારી, બગસરા,બિલખા, વગેરે વિસ્‍તારમાં આવેલ સનાતન ધર્મ તથા આસ્‍થાના પ્રતીક સમાન યાત્રાધામો સતાધાર ધામ, બ્રહ્માનંદધામ, પરબધામ, કનકાઈ માતાજીનુ ધામ, રૂપલઆઈ ધામ, મૌની આશ્રમ, સંત શ્રી રોહિદાસ ભગતનો આશ્રમ આશ્રમ, ચેલૈયાની જગ્‍યા, ગળધરા ખોડીયાર માતાજીનું મંદિર તથા બાજુમાં આવેલ એકમાત્ર આ વિસ્‍તારનો સુંદર જલધોધ તથા ખોડીયાર ડેમનો સુંદર નજારો વગેરે સુપ્રસિદ્ધ યાત્રાધામોને પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનને આવતા વાર્ષિક એકાદ કરોડ લોકોને સાસણથી કાશીયાનેસ સુધીના સૌથી ટૂંકા રસ્‍તાને નેશનલ વાઇલ્‍ડ લાઇફ બોર્ડ તથા વાઈલ્‍ડ લાઈફ ઇન્‍સ્‍ટિટયૂટ ભોપાલની પ્રસિદ્ધ થયેલી ગાઈડલાઈન મુજબ અંડરપાસ તથા ઓવર પાસ વગેરે માન્‍ય માપદંડોને ધ્‍યાને લઇ બનાવી આપવામાં આવે તો આ એકાદ કરોડ લોકોને ઉપરોક્‍ત નવી ધાર્મિક સર્કિટ તરફ વાળી તેમને દર્શનનો લાભ મળે અને આ પછાત અને કાયમી ખેતી આધારિત વિસ્‍તાર કે જ્‍યાં કોઈ મોટા ઉદ્યોગો માટેનું રો મટરીયલ નથી અને ઇકોઝોનની નવી માર્ગદર્શિકા મુજબ ઇકો ટુરિઝમ ક્ષેત્ર તરીકે આ ક્ષેત્રનો વિકાસ થાય તો દેશભરમાંથી નાણા ઠલવાતાં આર્થિક ક્ષેત્રે ખૂબ જ ફાયદો થાય તેમ છે, સમગ્ર વિસ્‍તારની જમીનોની કિંમત વધે અને નવી રોજગારીનું સર્જન કરી શકાય તેમ છે.

 આ પૂર્વ પશ્‍ચિમ પથરાયેલ જંગલ ની ઉત્તર દક્ષિણે રહેતા સ્‍થાનિક લોકોનો સામાજિક અને પારંપરિક વ્‍યવહાર આ યોજનાથી જોડવાની તેમની વર્ષો જૂની માંગણી સંતોષાશે. ઉપરોક્‍ત વિષયની રજૂઆત કરવા વિસાવદરથી શ્રી હર્ષદભાઈ રીબડીયા (માજી ધારાસભ્‍ય) તથા શ્રી નાગજીભાઈ ભાયાણી (સામાજિક કાર્યકર), શ્રી વિઠ્ઠલભાઈ દુધાત્રા (માજી ગુજરાત ભારતીય કિસાન સંઘના પ્રમુખ) તથા માજી વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ તથા માજી જિલ્લા ભાજપ મહામંત્રી તથા માજી કારોબારી ચેરમેન તાલુકા પંચાયત વિસાવદર શ્રી ફુલાભાઈ રીબડીયા વગેરેએ?? ગુજરાત રાજ્‍યના કાયદા મંત્રી  તથા જૂનાગઢ જિલ્લા સહ પ્રભારી કૌશિકભાઇ વેકરીયાને અમરેલી ખાતે રૂબરૂ મળી અને ઉપરોક્‍ત રજૂઆત કરી હતી. કાયદા મંત્રી કૌશિકભાઇ વેકરીયા સાથે ખૂબ જ સાલસ અને સહજ વાતાવરણમાં ચર્ચા કરતા તેઓ એ આ વિષયને ખૂબ ગંભીરતાથી ધ્‍યાને લઈ અને ગુજરાત સરકાર મુખ્‍યમંત્રીશ્રી અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી સમક્ષ મુકવા તથા તે વિષયની ગોઠવણ કરી આપવાનું વચન આપી આ વિસ્‍તારના વિકાસમાં ખૂબ રસ દાખવેલ ઉપરોક્‍ત બાબતે આ વિસ્‍તારના તમામ સંતો મહંતોએ તથા સામાજીક સંસ્‍થાઓએ આ રજુઆતમાં પોતાની લેખિત સહમતી અને આશીર્વાદ આપેલ છે જે લાગણીનુ અનુમોદન કૌશિકભાઈ વેકરીયા તરફથી ખુબ જ ઉષ્‍માપૂર્વક મળેલ છે. જરૂર પડ્‍યે આ વિસ્‍તાર ના વિકાસ ના આ એકમાત્ર ઉપાયની રજુઆત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સમક્ષ પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિ મંડળ દ્વારા કરવાની તૈયારી શ્રી હર્ષદ ભાઈ રીબડીયાએ દર્શાવેલ છે.

(1:13 PM IST)