News of Wednesday, 24th December 2025
‘પાછલા બારણે થતાં સમાધાન સ્વિકાર્ય નથી': ઘોઘાવદરમાં અનુસૂચિત જાતીનાં આગેવાનોની બેઠકમાં રણટંકારઃ રાજુભાઇ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેનાં સમાધાનનો વિરોધઃ તા.૪ નાં રણનીતિ નક્કી કરાશે
ધોરાજી સંમેલનમાં ચર્ચા કરી જો કોઈ આવા કેસમાં સમાધાન કરશે તો તેનો બહિષ્કાર કરવો અને કોઈ પણ જાતનો સહકાર નહી આપવા નક્કી કરાશેઃ યુવા ભીમ સેનાનાં સ્થાપક ડી.ડી. સોલંકી

ગોંડલ તા.૨૪: જુનાગઢનાં રાજુભાઇ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા કથીત સમાધાન અંગે અનુસૂચિત જાતિમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ઘોઘાવદર ખાતે આગેવાનોની મળેલી બેઠકમાં પાછલા બારણેથી થતા સમાધાન સ્વિકાર્ય નથી તેવું જણાવી એટ્રોસિટી કેસમાં જો સમાધાન કરાશે તો તેનો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બહિષ્કાર કરાશે તેવું નક્કી કરાયુ હતુ. રાજુભાઇ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેનાં સમાધાન અંગે આગામી તા.૪ નાં ધોરાજી ખાતે સંમેલન મળશે અને આ મુદ્દે રણનીતિ નક્કી કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.
ઘોઘાવદર ખાતે સંત દાસીજીવણ સાહેબની જગ્યામાં અનુસૂચિત જાતિનાં આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આગેવાન દેવદાનભાઇ મુછડીયા એ જણાવ્યું કે રાજુભાઇ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચેનાં વિવાદમાં સૌરાષ્ટ્રભરનો અનુસૂચિત જાતી સમાજ એકઠો થયો હતો.અને લડત આપી હતી.પરંતુ સમાજને અંધારામાં રાખી પુછયા વીના સમાધાન કરી લેવાયું છે. દિનેશભાઈ પાતર તથા રાજુભાઇ ની વાયરલ થયેલી ઓડીયો કલિપ નો ઉલ્લેખ કરી તેમણે સમાધાન પ્રક્રીયામાં સમાજને બાકાત રખાયાનુ જણાવી વધુમાં કહ્યુ કે રાજુભાઇ સોલંકી એ આખા મામલે સ્પષ્ટતા કરતો અને જયરાજસિંહ નો માફી માંગતો વિડીયો જાહેર કરવો જોઈએ. ઉપરાંત રેલી દરમિયાન પેઢલાનાં યુવાનનુ અકસ્માતમાં મળત્યુ થયુ હતું તેના પરિવારને જયરાજસિંહ જાડેજાએ આર્થિક મદદ કરવી જોઈએ.
તેમણે કહ્યુ કે સમાજ દ્વારા આગામી રણનીતિ ઘડાશે જેમા કોર્ટમાં સમાજ થર્ડ પાર્ટી તરીકે જોડાશે. અને અદાલતને રજુઆત કરાશે કે આ ખુબ ગાજેલો કેસ છે. પુરાવાઓ પણ છે. તપાસનીસ અધિકારી એ પાછળ થી પુરાવાઓ નો નાશ કરવો અને કાવત્રુ ઘડવા અંગેની કલમ લગાવી છે. એટલે બનાવ બન્યો છે એ ફલીત થાય છે. જેથી આર્થિક જશ ખાટવા ફરિયાદી સમાધાન કરે તે કોર્ટ દ્વારા માન્ય નાં ગણવુ જોઈએ તેવી રજૂઆત કરીશુ.
યુવા ભીમ સેનાનાં સ્થાપક ડી.ડી.સોલંકી એ જણાવ્યુ કે આગામી તા.૪ નાં ધોરાજી ખાતે યોજાનાર સંમેલનમાં ચર્ચા કરી જો કોઈ આવા કેસમાં સમાધાન કરશે તો તેનો બહિષ્કાર કરવો અને કોઈપણ જાતનો સહકાર નહી આપવા નક્કી કરી રણનીતિ તૈયાર કરાશે.
બેઠકમાં દિનેશભાઈ પાતર, નિખિલભાઇ ચૌહાણ, દેવરાજભાઇ રાવલીયા, અજયભાઇ વાણવી, યોગેશભાઈ ભાશા સહિત ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
