News of Wednesday, 24th December 2025
જોડિયાની હુન્નરશાળાની યુપીવી કન્યા વિદ્યાલયનો વાર્ષિક માતૃવંદના મહોત્સવ-૨૦૨૫ હર્ષભેર ઉજવાયો
મહિશાસૂરમર્દીની સ્તોત્ર નૃત્ય, ગરબો, કૃષ્ણગીત અને રાજસ્થાની લોકનૃત્ય ખૂબ જ ઉત્સાહ સાથે પ્રસ્તુત કરેલ.

જામનગર જિલ્લાની સુપ્રસિદ્ધ સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ .પી .વ્યાસ કન્યા વિદ્યાલય જોડીયામાં વાર્ષિક માતૃવંદના મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ.
કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરવામાં આવેલ. પ્રાર્થનાના શબ્દો હતા : સુબહ સવેરે લેકે તેરા નામ પ્રભુ. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવેલ.
શાળાના આચાર્ય બહેન ક્રિષ્નાબા ચુડાસમાએ પધારેલ મહેમાનોનુ શબ્દ પુષ્પથી સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
શાળાની ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીઓમાં વર્ગ અનુસાર વર્ગ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચાર કૃતિ પ્રસ્તુત કરેલ. મહિશાસૂરમર્દીની સ્તોત્ર નૃત્ય, ગરબો, કૃષ્ણગીત અને રાજસ્થાની લોકનૃત્ય ખૂબ જ ઉત્સાહ સાથે પ્રસ્તુત કરેલ.
માતૃવંદના મહોત્સવ કાર્યક્રમમાં શાળાની એસ.એસી.સી તથા એચ.એસ.સી માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થિનીઓ, તેમજ દરેક વિષયમાં પ્રથમ નંબર લેનાર વિદ્યાર્થીનીઓ, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં રાજ્ય પુરસ્કાર મેળવેલ વિદ્યાર્થિનીઓ, નવરાત્રી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત મેળવેલ વિદ્યાર્થિનીઓ, શિક્ષક દિન ઉજવણીમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિનીઓ, કલા ઉત્સવ તેમજ ખેલ મહાકુંભ, નિબંધ સ્પર્ધા, અંતર્ગત નંબર મેળવનાર વિદ્યાર્થિનીઓ, એસ.વી.એસ. કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિનીઓ, બ્યુટી અને વેલનેશ વિષયની વિદ્યાર્થિનીઓ, જ્ઞાન સાધના શિષ્યવૃતિ મેળવેલ વિદ્યાર્થિનીઓ, ઇકો કલબ, એન.એસ.એસ., બુલેટિન બોર્ડ, વર્ગ પ્રાતિનિધિ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી શિલ્ડ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
રાજ્ય કક્ષાએ આગવું નામ ધરાવતા શાળાના વ્યાયામ શિક્ષિકાશ્રી મમતાબેન ડી. જોશીએ એ.એલ.ટી.ની પરીક્ષા પાસ કરી પ્રમાણપત્ર અને પિન મેળવેલ જે બદલ સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ. આ સાથે સ્કાઉટ ગાઈડ અંતર્ગત લખનૌ મુકામે આંતર રાષ્ટ્રીય વર્લ્ડ જમ્બૌરી કેમ્પમાં મમતાબેન સાથે આઠ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલ, તેમને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવેલ.
ત્યારબાદ કાર્યક્રમ માં ઉપસ્થિત ધોરણ 12 ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની બગડા પૂજા સામતભાઈ એ પોતાના વક્તવ્યમાં કહેલ કે દરેક વ્યક્તિની અંદર પ્રતિભા હોય જ છે પણ તમારે તમારી પ્રતિભા ને ઉજાગર કરવા મહેનત કરવી પડે પોતે જ પોતાની જાતને પ્રશ્ન પૂછતા રહો કે મને હરાવી શકે તેવો વ્યક્તિ કોઈ નથી પણ પોતે જ છે. તેમણે ખલીલ જીબ્રાનની વાર્તા નું ઉદાહરણ આપેલ. દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવેલ અને આગળ પ્રગતિ કરતા રહો નિરાશ ક્યારેય થવું નહી. તેમજ ધોરણ 10 અને 12 ની પરિક્ષા માં સફળતા મેળવવા માટેના નિજ અનુભવો વિશે વિધર્થિનીઓને જણાવેલ .
માતૃવંદના મહોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયા એ પોતાના પ્રવચનમાં પૂજ્ય રંભાબેન સુખપરિયા (ફૈબા) તેમજ ટ્રસ્ટી સ્વ.ધીરુભાઈ શેઠનું સ્મરણ કરી તેમની કાર્યશક્તિ, ફઈબાની પ્રવૃત્તિઓ, વતન પ્રત્યેનો પ્રેમ વિશે વાત કહેલ. પૂજ્ય ફઈબા નો સંકલ્પ હતો કે આર્થિક રીતે સ્ત્રીઓ સધ્ધર બને અને આગળ આવે તે માટે ફઈબાએ જીવન સમર્પણ કરેલ છે. વટ વૃક્ષ સમી શાળા ઉભી કરનાર પૂજ્ય ફઇબાને કોટી કોટી વંદન કરી વિદ્યાર્થીઓને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવે તેવી શુભકામના આપેલ.
કાર્યક્રમમાં શાળાની બાળાઓએ જુદી જુદી ચાર કૃતિઓ નૃત્ય સાથે પ્રસ્તુત કરી. આ કૃતિમાં ભાગ લેનાર તેત્રીસ બાળાઓને સંસ્થા, શાળા, પધારેલ મહેમાનશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ અને વાલીશ્રીઓ દ્વારા દરેકને રોકડ રૂ. ૬૦૦/-નો પુરષ્કાર આપી પ્રોત્સાહિત કરી, અભિનંદન આપેલ તેમજ હાલ આફ્રિકા-લંડન નિવાસી સુધીરભાઈ રાજા અને ગીતાબેન રાજા તરફ થી શાળામાં અભ્યાસ કરતી દરેક વિદ્યાર્થિની બહેનોને રૂ. ૧૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.
કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ સુખપરિયા, મંત્રી પ્રીતિબેન સુખપરિયા, ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા,પુનિતભાઈ શેઠ, પુષ્પાબેન સુખપરિયા,ભાનુબેન સુખપરિયા, નયનાબેન વર્મા, સંજયભાઈ શેઠ અને શેઠ પરિવાર તેમજ સુખપરિયા પરિવારના સભ્યો, ધીરભાઈ રાજા, ગીતાબેન રાજા, ગૃહમાતા જ્યોત્સ્નાબા, બાલ મંદિરના આચાર્ય વિજયાબેન મકવાણા અને બાલમંદિરના સ્ટાફગણ, શાળાના આચાર્યબેન ક્રિષ્નાબા ચુડાસમા તથા શાળાના કર્મચારી ગણ, તથા મહેમાનોમાં ચિરાગભાઈ વાંક, પુનિતભાઈ ભટ્ટ,યોગેશભાઈ તન્ના, જાગૃતીબેન રાણીપા, અભિભાઈ માંકડ, પરેશભાઈ અનડકટ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનઓ અને જોડીયા ગામના આગેવાનશ્રીઓ, વિદ્યાર્થીના વાલી તેમજ વિદ્યાર્થીની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની બહેન કેર ધાર્મિકાબા અને જાડેજા મનીષાબા એ કરેલ. આ વિદ્યાર્થીની બહેનોને સંપૂર્ણ માર્ગદર્શન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેન ઇલાબા ગઢવીએ આપેલ અને ખૂબ જ સુંદર સંચાલન કરેલ. કાર્યક્રમનાં અંતે આભારદર્શન શાળાના શિક્ષિકા બહેન તરુબેન વાજા દ્વારા કરવામાં આવેલ. અંતે સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
