News of Thursday, 25th December 2025
ભીમદેવકા-ફૂલપરા ગામના ખેડૂતોની ૮૦૦ એકર જમીન બારોબાર વેંચી દેવાના સાટા કરાર કરવાનું ષડયંત્ર
સુરેન્દ્રનગરને આંટે એવું જમીન કૌભાંડ કચ્છમાં? : ધોળાવીરામાં તેજીને પગલે ખારોડાનું જમીન કૌભાંડ પણ હજી ચર્ચામાં છે ત્યાં જ ભીમદેવકા-ફૂલપરામાં જમીનના સોલાર પ્લાન્ટ માટે પરબારા સાટા કરાર પણ થઈ જતા ગામ લોકોની પોલીસ સ્ટેશને રજૂઆત

રાજકોટ તા.૨૫: અમુક મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓની મીલી ભગત તેમ જ આંખ મીંચામણાને કારણે થતાં જમીન કૌભાંડોને કારણે સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. સુરેન્દ્રનગરના જમીન કૌભાંડની ચર્ચા વચ્ચે કચ્છના ધોળાવીરા નજીકના ખારોડા તેમ જ ભીમદેવકા-ફુલપરા ગામના જમીન કૌભાંડો ચર્ચામાં આવ્યા છે.
તાજેતરમાં જ રાપર તાલુકાના ભીમદેવકાફુલપરા જમીન કૌભાંડમાં ખેડૂતોની જાણ બહાર ૮૦૦ એકર જમીન બારોબાર વેંચી દેવાના સાટા કરાર થઈ જતા ગામ લોકોએ ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી રજુઆત કરી હતી. ભૂમાફિયા દ્વારા સાટા કરારના આધારે ભીમદેવકા ફુલપરા ગામની ૮૦૦ એકર ખેડૂતોની જમીનો ખેડૂતોની જાણ બહાર ખાનગી કંપનીઓને વહેંચી દેવા નું ૩૪ કરોડ નું કૌભાંડ લોકોની નજરે ચડ્યું હતું.
ભીમદેવકા અને ફુલપરા ના ખેડૂતોની માલિકીની ૮૦૦ એકર જમીનનો ગેરકાયદેસર સાટા કરાર કરી ખેડૂતોની જાણ બહાર બારો બાર એક એકરનો ભાવ રૂ.૪,૨૧,૦૦૦ (શબ્દોમાં ચાર લાખ એકવીસ હજાર રૂપિયા) નક્કી કરી અને તે પૈકી ટોકન પેટે ૨૧,૦૦,૦૦૦ (શબ્દોમાં એકવીસ લાખ રૂપિયા પુરા) સોલાર પ્લાન્ટ હેતુ માટે આયોજન પૂર્વક મળી ને જમીન વહેંચી હોવાનો સાટા કરાર ફરતા આ ભાંડો ફૂટ્યો હતો. આ બાબતે ભીમદેવકા ફુલપરા ગામના સહુ ભોગગ્રસ્ત ખેડૂતો, આગેવાનો મોટી સંખ્યા માં ગાગોદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુધ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા.
ખેડૂતો નો દાવો છે. કે, આ જમીન વેચાણ બાબતે અમારી સાથે કોઈ વાત ચિત થઈ નથી.ગાગોદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવા અને આવેદન પત્ર આપવા માટે, ગામના ખેડૂતો, સાથે, સરપંચ બાલુબેન વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર જમીન કૌભાંડની તપાસ થાય તો અનેક મોટા કડાકા ભડાકા થાય તેમ છે.(૪૦.૧૧)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
