<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

જસદણના જલારામ મંદિરે શનિવારે પૂજ્‍ય હરિરામ બાપાની પુણ્‍યતિથિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨૫: જસદણના  બ્રહ્મલીન સંત પૂજ્‍ય હરિરામ બાપાની પુણ્‍યતિથિ નિમિત્તે શનિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

જસદણના જલારામ મંદિર ખાતે  પોષ સુદ સાતમ તારીખ ૨૭-૧૨-૨૦૨૫  ને શનિવારે પરમ પૂજ્‍ય સદગુરુ ભગવાન શ્રી હરિરામ બાપાની ૧૧ મી પુણ્‍યતિથિ  હોવાથી જલારામ મંદિર ખાતે બપોરે ૧૧-૩૦ કલાકે સમસ્‍ત સાધુ સમાજન માટે  જ્ઞાતી ભોજન પ્રસાદ તથા અખંડ ધૂન  યોજાશે.  આ ઉપરાંત સાંજે ૪ કલાકથી ૭  કલાક સુધી વિશેષ ધૂન યોજાશે.  સાંજે ૭  કલાકે મહાઆરતી યોજાશે.  ૭.૩૦ કલાકે ભક્‍તજનો માટે  મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન  રાખવામાં આવ્‍યું છે.  જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન રામધૂન ઉપરાંત હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, રામાયણના પાઠ વગેરે પણ યોજાય છે. તેમજ પૂજ્‍ય હરિરામ બાપાની ચરણ પાદુકાનું ખાસ પૂજન યોજાશે. દરેક ધર્મપ્રેમી જનતા તેમજ શ્રી હરી પરિવારને સહ કુટુંબ પધારવા શ્રી જલારામ સત્‍સંગ મંડળ તથા શ્રી હરિ પરિવાર જસદણ  તથા શ્રી જલારામ મંદિર જસદણ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણના સંત પૂજ્‍ય હરિરામબાપા સંતોના સમુદાયમાં  પણ દિવ્‍ય સંત હતા. તેઓ કયારેય ઉચા આસને બિરાજતા નહીં પરંતુ ભક્‍ત સમુદાયની વચ્‍ચે નીચે જ બેસતા હતા. કયારેય કોઈને કંઠી બાંધતા  નહીં કે આશ્રમ બનાવવામાં માનતા નહીં. પૈસાને  અડતા નહીં. ભૂખ્‍યાને ભોજન અને ભજન એ જ તેમનો જીવન મંત્ર હતો. સાદું અને ભક્‍તિમય જીવન જીવતા હતા.

(10:38 AM IST)