<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

સરધારમાં ૧૯ વર્ષના રીતેશનું, પાંચતલાવડીમાં ૩૦ વર્ષના પીન્‍ટુભાઇનું હૃદય બેસી જતાં મોત

ગણેશનગરના લીલાબેન મકવાણાનું પણ હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ

રાજકોટ તા. ૨૫: હૃદય રોગના હુમલાથી વધુ બે યુવાન અને એક વૃધ્‍ધના મોત થયા છે. જેમાં ઓગણીસ વર્ષનો યુવાન અને ત્રીસ વર્ષનો યુવાન તથા મોરબી રોડ ગણેશનગરના વૃધ્‍ધા ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યારે પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ સરધારમા મનસુખભાઇની વાડીએ પરિવાર સાથે રહી મજૂરી કરતો મુળ મધ્‍યપ્રદેશનો રીતેશ ધુન્‍દરીયાભાઇ વાસ્‍કેલા (ઉ.વ.૧૯) રાતે વાડીએ હતો ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રીતેશ ચાર ભાઇ અને એક બહેનમાં બીજો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં કોટડા સાંગાણીના પાંચ તલાવડી ગામે રહેતાં પિન્‍ટુભાઇ હસમુખભાઇ મેટારીયા (ઉ.વ.૩૦)નું હૃદય બંધ પડી જવાથી મોત થયું હતું. જાણવા મળ્‍યા મુજબ પિન્‍ટુભાઇ ઘરે હતો ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો શરૂ થયા બાદ ઉલ્‍ટી થવા માંડી હતી. બાદમાં તે બેભાન થઇ જતાં સરધાર સારવાર માટે ખસેડાયો હતો. ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્‍વજનોશમાં શોક વ્‍યાપી ગયો હતો. પિન્‍ટુભાઇ ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે ખેતી કરી ગુજરાન ચલાવતો હતો.

ત્રીજા બનાવમાં મોરબી રોડ ગણેશનગર-૭માં રેહતાં લીલાબેન જીવનભાઇ મકવાણા (ઉ.વ.૭૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હૃદય રોગનો હુમલો આવી ગયાનું ખુલ્‍યું હતું. હેડકોન્‍સ. યોગેશભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જે તે ડીવીઝનમાં જાણ કરી હતી.

(1:16 PM IST)