<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

જૂનાગઢના ૧૪ વેપારીઓ સાથે વિશ્‍વાસઘાત, વલસાડની પેઢીનો શખ્‍સ ૫૨.૮૩ લાખ ઓળવી ગયો

થોડા થોડા દિવસે પેમેન્‍ટ આપવાના વિશ્‍વાસમાં રાખી બાદમાં ચૂનો ચોપડી દીધો : પોલીસ - ફરિયાદ બાદ આરોપીની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૬: જૂનાગઢના ૧૪ વેપારીઓ સાથે વલસાડની પેઢીનો શખ્‍સ વિશ્વાસઘાત કરી રૂપિયા ૫૨.૮૩ લાખ ઓળવી ગયો હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના જોષીપરામાં રહેતા અને જીઆઇડીસી ૨માં સાવલિયા એન્‍ટરપ્રાઇઝ નામથી સીંગદાણાનું કારખાનું ધરાવતા વેપારી સંજયભાઈ ગોકળભાઈ સાવલીયાએ તાલુકા પોલીસમાં કરેલી ફરિયાદ અનુસાર સંજયભાઈને સીંગદાણાનો વેપાર હોવાથી દોલતપરાના ભાનુ બ્રોકરના રાકેશભાઈ કારીયા સાથે વેપાર કરતા હતા.

સપ્‍ટેમ્‍બર મહિનામાં રાકેશભાઈએ વલસાડમાં તિરુપતિ પ્‍લાઝાના ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર મધુસુદન એન્‍ટરપ્રાઇઝના કિશન મનોજભાઈ સવસાણી સાથે વેપાર કરું છું અને પાર્ટી સારી છે જેથી તેમની સાથે વેપાર કરવામાં આવે તો વાંધો નથી તેમ વાત કરી હતી. જેથી સંજયભાઈએ કિશન સવસાણી સાથે વેપાર કરવાનું ફોનમાં નક્કી કર્યું હતું.

શખ્‍સે પોતાની સાથે વેપાર કરશે તો કાયમી માટે મોટો વેપાર થશે અને મોટો નફો અપાવશે તેમજ મોટું માર્કેટ કરી આપશે એવો વિશ્વાસ ઊભો કરી સંજય સાવલિયા પાસેથી રૂપિયા ૭,૮૦,૯૩૭ના સીંગદાણા ખરીદ કર્યા હતા. તેમજ શખ્‍સે જગદીશ કોર્પોરેશન પાસેથી ૩,૭૩,૨૭૬,  મહાદેવ ટ્રેડિંગ ૨,૫૯,૮૭૫, જયનીલ સીડસ ૩,૦૧,૩૫૦, મયુર ઇન્‍ડસ્‍ટ્રીઝ ૫,૭૪,૮૭૫, એન્‍જલ એગ્રી ૧,૬૩,૮૦૦, એગ્રો સીડસ ૩,૩૬,૧૩૭, ગ્‍લોબલ પીનટ ૯૫,૯૭૮, કિયા એન્‍ટરપ્રાઇઝ ૧,૪૭,૨૬૩, બંસીધર સીડ ૫,૫૪,૯૨૬, પ્રિન્‍સ પ્રોન્‍ટિસ ૪,૩૯,૨૧૬, ગીરીરાજ સીડસ ૫,૩૯૨૫૦, સંગમ એન્‍ટરપ્રાઇઝ ૧,૬૪,૮૫૦ અને સદગુરુ એન્‍ટરપ્રાઇઝ પાસેથી રૂપિયા ૫,૩૯,૨૫૦ સહિત ૧૩ વેપારી સાથે પણ આવી જ રીતે રૂપિયા ૪૫,૦૨,૭૨૨ની કિંમતનો સીંગદાણાનો માલ ખરીદ કરી થોડા થોડા દિવસે પેમેન્‍ટ આપવાના વિશ્વાસમાં રાખી પેમેન્‍ટ નહી ચૂકવી ૧૪ વેપારીઓના કુલ રૂપિયા ૫૨,૮૩,૬૫૯ ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ સંજયભાઈ સાવલિયાએ ગુરુવારે કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

(10:58 AM IST)