News of Saturday, 27th December 2025
ચોટીલા ભાજપ અનુસુચીત મોરચાના મહામંત્રી કાનજીભાઇ વાઘેલાનું અપહરણ કરી મારકુટ
સગાની પત્નિને ચોટીલાનો શખ્સ બૂલેટમાં બેસાડી નીકળતાં પોતે આ અંગે સગાને જાણ કરી હતીઃ ખાર રાખી વાતચીત કરવાના બહાને બોલાવી બેફામ મારકુટઃ મનોજ, તેના ભાઇ વિપુલ સહિતનાએ ઢીકા-પાટુ, ઇંટથી માર માર્યો

રાજકોટ તા. ૨૭: ચોટીલાના ખેરડીમાં રહેતાં અને ચોટીલા અનુસુચીત મોરચા ભાજપના મહામંત્રી કાનજીભાઇ વીરાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામના યુવાનને ચોટીલાની મારૂતીનગર સોસાયટીમાં વાત કરવાના બહાને બોલાવ્યા બાદ કારમાં નાંખી અપહરણ કરી ચોટીલાના સ્મશાન નજીક લઇ જઇ રસ્તામાં બેફામ માથામાં ઝાપટો મારી તેમજ બાદમાં ફરીથી ઢીકાપાટુ, ઇંટથી માર મારતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ ખેરડી રહેતાં કાનજીભાઇ વાઘેલા રાતે દસેક વાગ્યે ચોટીલામાં મારૂતનગર સોસાયટીમાં હતાં ત્યારે મનોજ અને વિપુલ સહિતે ઢીકાપાટુનો માર મારી તેમજ ઇંટથી ફટકારતાં માથા, શરીરે ઇજાઓ થતાં સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
કાનજીભાઇએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મારા કુટુંબી સગાની પત્નિને મનોજ તેના વાહનમાં બેસાડીને નીકળતાં હું જોઇ ગયો હતો. જેથી મેં આ અંગેની વાત મારા સગાને કરી હતી. આ બાબતનો ખાર રાખી મનોજ ઉર્ફ માધાએ મને વાત કરવા ચોટીલા બોલાવતાં હું ખેરડીથી ચોટીલા મારૂતિનગર સોસાયટીમાં જતાં મનોજ અને તેના ભાઇ વિપુલે વાત કરવાને બદલે મારકુટ ચાલુ કરી દીધી હતી. જેમાં મહિલાઓ પણ મારકુટ કરવામાં સામેલ હતી. બાદમાં મને અલ્ટો કારમાં બેસાડી નગરપાલિકાના સ્મશાન પાસે લઇ ગયા હતાં. રસ્તામાં મને માથામાં પાંત્રીસ જેટલી ઝાપટો મારી લીધી હતી. આ પછી મને સ્મશાન પાસે ફરીથી મારકુટ કરી હતી. દેકારો થતા લોકો ભેગા થઇ જતાં મને મુકી દીધો હતો. તેમ વધુમાં કાનજીભાઇએ કહેતાં ચોટીલા પોલીસ વધુ તપાસ કરે છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
