<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

પાટડી પાસે કાર પિલર સાથે અથડાઈ ૧૦ ફૂટ હવામાં ઉછળી પલટી મારી પૂલ નીચે ખાબકીઃ વાહનનો ભૂક્કોઃ લખતરના દંપતિને ઈજા

વઢવાણ, તા.૨૭: દસાડા તાલુકામાં આવેલા પાટડી-ફુલકી રોડ પર જરવલા અને નવરંગપુરા ગામ વચ્‍ચે આ અકસ્‍માતની ઘટના બની હતી. લખતરના વતની હાર્દિકભાઈ તેમનાં પત્‍ની સાથે જરવલા ગામ તરફ જઈ રહ્યા હતા, ત્‍યારે ર્ટનિંગ પાસે કાર પૂલ પરના પિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

કારના આગળનાં બન્ને વ્‍હીલ પુલ પર જ રહી ગયાં આ ટક્કર બાદ કાર ૧૦ ફૂટ જેટલી ઊછળી પલટી ખાઈ ગઈ હતી. એ બાદ પુલ પરથી નીચે ખાબકી હતી, જેથી કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ અકસ્‍માત એટલો ગંભીર હતો કે કારનાં આગળનાં બન્ને વ્‍હીલ અલગ પડી ગયાં હતાં અને પુલ પર જ રહી ગયાં હતાં, જ્‍યારે કારનો બાકીનો ભાગ પુલ નીચે ખાબકયો હતો.

આ અકસ્‍માતમાં કારને મોટે પાયે નુકસાન થયું હતું, જોકે દંપતીને સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી, એ બાદ તેમને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યાં હતાં. અકસ્‍માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા.

સ્‍થાનિકો દ્વારા પાટડી-ફુલકી રોડની બિસ્‍માર હાલત અંગે ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ રોડ પર અવારનવાર અકસ્‍માતો બનતા હોવાથી તાત્‍કાલિક રોડ રિપેરિંગ કામ હાથ ધરવાની વ્‍યાપક માગ ઊઠી છે. 

 

(11:35 AM IST)