News of Saturday, 27th December 2025
જૂનાગઢમાં અગાઉના મનદુઃખથી યુવકને છરી મારી, ફરસી સાથે ઘરે જઈ પત્નીને માર માર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૨૭,જુનાગઢમાં અગાઉના મનદુઃખથી યુવકને છરી મારી બાદમાં ફરસી સાથે તેના ઘરે જઈ પત્નીને માર માર્યો હોવાની ૨ શખ્સ સામે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવની વિગતો એવી છે કે જૂનાગઢમાં હોમગાર્ડ ઓફિસની પાછળ રહેતા ૪૦ વર્ષીય મોહસીનમિંયા સલીમમિંયા સૈયદને અઢી મહિના પહેલા પૈસાની જરૂરિયાત પડતા વારસાઈ સાડા છ તોલા સોનાના દાગીના મિત્ર નિઝામ હિંગોરા પાસે ગીરવે મૂકયા હતા.
આ પછી શખ્સે સોનાના રૂપિયા કે સોનુ પણ આપેલ નહીં જેથી ૨૦ દિવસ પહેલા આ મુદ્દે યુવકે પોલીસમાં અરજી આપી હતી. ત્યારે નિઝામે ઘરેણાં એજાજ સેતાને આપ્યા હોવાનું કહ્યું હતું. યુવાન પોલીસ સ્ટેશનની બહાર નીકળતો હતો ત્યારે રસ્તામાં હનીફ ઉર્ફે હનુ જુણેજાએ એજાજ મારો માસીયાઈ ભાઈ છે તેની સામે ફરિયાદ કરતા પહેલા ધ્યાન રાખજે એવી ધમકી આપી હતી.
દરમિયાન ગુરુવારે મોહસીન તેના મિત્રો કૌશિબ સાથે હર્ષદનગર જતો હતો ત્યારે ગિરિરાજ રોડ પર હનીફ ઉર્ફે હનુ જુણેજાએ ઊભો રાખી બોલાચાલી કરી છરી મારી ઇજા પહોંચાડી ધમકી આપી જતો રહ્યો હતો.
બાદમાં હનીફ ઉર્ફે હનુ જુણેજા અને એજાજ ઉર્ફે એજુએ ફરસી સહિતના હથિયાર સાથે મોહસીનના ઘરે જઈ તેના પત્નીને મારી મોપેડ, ઘરવખરીને નુકશાન કર્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે મોહસીન સૈયદની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
