News of Saturday, 27th December 2025
વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનોનુ સ્ટેશન ગ્રોફેડ ખાતે સ્થળાંતરિત કરાશે તો જબરૂ લોક આંદોલન છેડાશે : ચેમ્બર્સ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૨૭ : વિસાવદરને જોડતી મીટર ગેજ ટ્રેનોનુ જૂનાગઢ શહેરમાં સંખ્યાબંધ ફાટકના ઓઠા તળે રેલવે સ્ટેશન ગ્રોફેડ ખાતે સ્થળાંતર કરવાની કહેવાતી પેરવી સામે ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ આંદોલનના મૂડમાં છે. મીટરગેજ ટ્રેનનાં ફાટક મામલે વિસાવદર પંથકમાં જનાક્રોશ છે.
વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબારના જણાવ્યા અનુસાર તાજેતરમાં કોંગ્રેસના સાંસદે સંસદમાં કરેલી કહેવાતી રજૂઆતનો વિરોધ થઈ રહ્યો છે. જૂનાગઢમાં વૈભવ તથા ભૂતનાથ ફાટક પર શા માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ નથી બનાવાતો તેવા સવાલો પણ લોકોમા ઉઠી રહ્યા છે. મીટર ગેજ રેલ્વે ટ્રેક પર વૈભવ હોટલ પાસે અને ભૂતનાથ ફાટક પાસે બે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવા જરૂરી છે. જીલ્લાના મુખ્ય રેલ્વે મથકથી જૂનાગઢ સ્ટેશનને જોડતા અમરેલી, વેરાવળ, દેલવાડા, ઉના, તાલાળા, ધારી, વિસાવદર, બિલખાના લોકોને ગ્રોફેડ ખાતે સ્ટેશન સ્થળાંતર કરાય તો ભારે હાલાકી ભોગવવી પડે તેમ છે.
આ પંથકના લોકો રેલ્વેમાં માત્ર ૧૦-૨૦ રૂપિયામાં જૂનાગઢ પહોંચે છે પરંતુ જો ગ્રોફેડ ખાતે રેલ્વે સ્ટેશન બનાવવામાં આવે તો ત્યાંથી શહેરમાં જવા માટે ૫૦ રૂપિયા રિક્ષા ભાડું લાગે તેવા વાત ગળે ઉતરે તેવી નથી. ગ્રોફેડની આસપાસ આ જગ્યા તદ્દન અવાવરૂ હોવાથી મહિલાઓ તેમજ સિનીયર સિટીઝનને હેરાન કરવા માટેની પ્રવળતિ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાટક હટાવોની રજૂઆત કરનાર સાંસદે આ વિસ્તારની મુલાકાત લઈ સ્થળ પરની સ્થિતિ જોઈ ગ્રામીણ વિસ્તારનો વિચાર કરવો જોઈએ. જો ટ્રેનને જૂનાગઢને બાયપાસ કરવામાં આવે તો ગરીબ ખેડૂતોની મહામૂલી જમીન પાણીના ભાવે દેવી પડે તેવી સ્થિતિ છે. મુંઠીભર રાજકીય આગેવાનોના લાભ માટે સામાન્ય ગ્રામીણ જનતાને કાયમી અન્યાય ન થાય તેવી માંગ ચેમ્બર્સ પ્રમુખે કરી છે.
અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જીલ્લાની મીટરગેજ ટ્રેનના તાલુકા મથકના લોકોને રાજકોટ કે તેનાથી ઉપરના કોઈપણ સ્થળે જવા માટે કનેક્ટીવીટી માટે રેલ્વે સ્ટેશને જ ટ્રેન જવી જોઈએ તે નિયમ પણ છે. ટ્રેનની લીંક-અપ તોડવાની વાત પાછળ મીટરગેજ ટ્રેનને કાયમી બંધ કરવાની નીતિ હોવાની પણ આશંકા ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે જો રેલ્વે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહી લેવાય તો અગાઉની જેમ સામાજીક, ધાર્મિક સંસ્થાઓ તથા વેપારીઓ આંદોલન કરશે. આ મુદ્દે રેલમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતનાઓને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરવામાં આવશે અને જબરૂ લોક આંદોલન છેડાશે તેવી ચિમકી ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઈ કાનાબારે આપી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
