News of Saturday, 27th December 2025
દ્વારકામાં નાતાલના વેકેશનને લઈને શ્રધ્ધાળુઓનું ઘોડાપુર : છેલ્લા બે દિવસમાં એક લાખ જેટલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો
હોટલ - રીસોર્ટ - અતિથિ ગૃહો અને હોમ-સ્ટે સહિત રપ૦૦ જેટલા રૂમો હાઉસફૂલ : પ્રવાસીઓને ટ્રાફીકના કારણે જામનગર પોરબંદર - રાજકોટ સ્ટે કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ : તા.૫ થી ૩૧ ડિસેમ્બર સુધીમાં ૬૦ જેટલા ન્યાયાલયના જજો દર્શનાર્થે આવી રહ્યાની માહિતી

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૨૭
સમગ્ર દેશ દુનિયામાં નાતાલના વેકેશન માણવાનો પ્રવાસીઓ લાભ લઈ રહયા છે ત્યારે ભારતના પશ્ચિમ કિનારે વસેલી ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં તા.૨૦ ડિસેમ્બરથી જ દર્શનાર્થીઓ અને પ્રવાસીઓનો લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. દેશ વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજ્યોમાંથી ભાવ શ્રધ્ધા અને આસ્થા સાથે દ્વારકા આવી પહોંચેલા ભકતોએ ભાવવિભોર થઈને દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, એસ.પી. જયરાજસિંહ વાળા તથા દ્વારકા ડીવીઝનના ડીવાય.એસ.પી. સાગર રાઠોડ અને પ્રાંત અધિકારી અમોલ આવટે, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણ સહિતે દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે અને દ્વારકા ક્ષેત્રની સર્કિટ ઉપર આવતાં તીર્થક્ષેત્રો અને પ્રવાસન સ્થળો પર યાત્રીકોને સુઘડ વ્યવસ્થા મળે તેની કમાન સંભાળી છે. અને અધિકારીઓ હેડકવાર્ટર છોડીને દ્વારકામાં ખડાપગે મુકામ કરી રહયા છે.
દ્વારકા ખાતે દર્શનાર્થે આવી રહેલા યાત્રીકોની હકડેઠઠ ભીડને લઈને વાણીજ્ય વ્યાપાર સાથે સંકળાયેલ ધંધાર્થીઓ પણ નજરઅંદાજ થયા છે એનું કારણ એ છે કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ અને ટ્રાન્સપોર્ટેશન અને ઉતારાની વ્યવસ્થા ખૂબ જ ટૂંકી પડી રહી છે. પરન્તુ દ્વારકાવાસીઓ શક્ય તેટલા પ્રયત્નોથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની વ્યવસ્થા માટે આતુર છે. દ્વારકાના જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો અને શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર ર૪ કલાક અવર-જવર જોવા મળી રહી છે. આ નજારો જોઈને એવું લાગી રહયુ છે કે દ્વારકા કોઈ મહાકાય શહેરમાં સમાવેશ થયો હોય તેવો આભાસ દ્વારકાવાસીઓ અનુભવી રહયા છે.
દ્વારકાધીશ મંદિરમાં પણ મંદિરના વારાદાર પૂજારીઓ પ્રવિણભાઈ, દિપકભાઈ, હેમલભાઈ અને ગુગળી જ્ઞાતિના પંડાઓ દ્વારા વહીવટીતંત્રને સહકાર દર્શનાર્થીઓ માટે સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે ભીડને લઈને દ્વારકાના ગોમતી ઘાટ ઉપરથી છપ્પનસીડી પસાર થઈને યાત્રીકોને દર્શનાર્થે પ્રવેશ કરવા માટે બેરીકેટીંગ વપરાયું છે અને યાત્રીકોને ચુસ્ત સુરક્ષા સાથે તપાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહયો છે.
દ્વારકામાં આવેલી ધાર્મિક સંસ્થાઓ, શંકરાચાર્ય મહારાજની પ્રાચીન શારદાપીઠ, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી શકિતપીઠ, સનાતન સેવા મંડળ, ભારત સેવાશ્રમ, ભકિતધામ આશ્રમ, સ્વામિનારાયણ આશ્રમ, સન્યાસાશ્રમ જેવા અનેકવિધ સંસ્થાઓમાં યાત્રીકોની રહેવાની અને ઘર્મના સત્સંગ માટેની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરાઈ છે. જેને લઈને
દ્વારકા નગરની ગલીઓ, મહોલ્લાઓ અને જાહેર સ્થળોમાં સર્કલો ઉપર માત્ર ને માત્ર ધર્મમય માહોલ જ જોવા મળી રહયો છે. તો બીજી તરફ ગુગળી જ્ઞાતિ સંચાલિત રોજના છ ધ્વજાજીના મનોરથ જગતમંદિરના શિખર પર આરોહણ થતાં મનોરથ ભાવિક ભકતો ભકિત, સંગીત અને શ્રધ્ધાથી મનોરથ પૂર્ણ કરી રહયા છે. ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી આવતી રેલવે માર્ગની સેવાઓ દ્વારકા - રામેશ્વર, દ્વારકા જગન્નાથપુરી, દ્વારકા તુતીકોરીન, ઉત્તરાંચલ એક્ષપ્રેસ દ્વારકા - નાથદ્વારા, અમદાવાદ દ્વારકા સહિતની ટ્રેનોમાં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે બા પ્રમાણમાં વેઈટીંગ જોવા મળે છે.
દ્વારકા ખાતે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી હાઈકોર્ટના જજીસ તથા ડીસ્ટ્રીકટ જજો સુપ્રિમ કોર્ટના જજો નાતાલના મીની વેકેશનમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે જ. વ્યવસ્થા અને પ્રોટોકોલ જીલ્લા વહીવટી તંત્રએ જાળવી રહ્યુ છે. તો બીજી તરફ દ્વારકા આવતાં પ્રવાસી યાત્રીકો માટે અઢી હજાર જેટલા હોમ સ્ટે, લકઝુરીયસ હોટલ, અતિથિ ગૃહો, આશ્રમો અને ભવનો પણ ટૂંકા પડયા હોય તેવું જણાઈ રહયુ છે.(તસ્વીર:દિપેશ સામિણી-દ્વારકા)
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
