<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૯મી જન્મ જયંતી ની ઉજવણી : ગુરુદ્વારા થી જી.જી. હોસ્પિટલ સુધીની શોભાયાત્રા : જી.જી. હોસ્પિટલમાં ગુરુ ગોવિંદસિંઘજી ની છબીને ફૂલહાર કરાયા

ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૯ મી જન્મ જયંતી ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણીમા શોભાયાત્રા, સેહજ પાઠ, લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં આજે રવિવારે ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૯ મી જન્મ જયંતી ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને શોભાયાત્રા, સેહજ પાઠ, લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 સૌ પ્રથમ સવારે ૭.૪૫ વાગ્યે ગુરુદ્વાર થી શોભાયાત્રા નીકળી હતી,જેમાં બહોળી સંખ્યામાં શીખ સંપ્રદાયના ભાઈઓ-બહેનો જોડાયા હતા, અને જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગુરુ ગોવિંદસિંઘજીની છબીને ફુલહાર કરાયા હતા.

જ્યાં જી.જી. હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, મેડિસન  વિભાગના વડા ડો.અજય  તન્ના, આર.એમ.ઓ. પ્રમોદ સકસેના, જી.જી. હોસ્પિટલના સ્ટાફ અને નિવૃત્ત આર્મીમેન તેમજ ગુરુદ્વારા ની સંગત ની હાજરીમાં જી.જી. હોસ્પિટલમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ જી.જી. હોસ્પિટલના દર્દીઓ જલ્દી સાજા થાય તે માટેની પણ પ્રાર્થના કરાઈ હતી.

 ત્યાર બાદ ગુરુદ્વારામાં સેહજપાઠ ની સમાપ્તિ કરવામાં આવી હતી. 

આ પ્રસંગે ગંગાનગર ના ભાઈસાહેબ ગગનદીપ સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓ દ્વારા શબ્દ કીર્તન ૧૧:૩૦ થી ૧:૩૦ વાગે સુધી કરવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં ઉપસ્થિત રહી માથું ટેકવી ને શબ્દ કીર્તનો લાભ લીધો હતો, ત્યારબાદ બપોરે ૧ વાગે ગુરુ કા લંગર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પ્રસાદ લીધો હતો.

(3:02 PM IST)