News of Monday, 29th December 2025
મોરબીના લીલાપર પાસે સ્પીડબ્રેકર પર એક્ટીવા સ્લીપ થયું: નાની વાવડીના સંદિપ જાનીનું મોત
કારખાનેથી છુટી ઘરે જતી વખતે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૯: મોરબીના નાની વાવડી ગામે રહેતાં યુવાનનું લીલાપર પાસે નવા બનેલા સ્પીડબ્રેકર પર એક્ટીવા સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ મોરબીના નાની વાવડીમાં આવેલી સમજુબા સોસાયટીમાં રેહતો સંદિપભાઇ મધુસુદનભાઇ જાની (ઉ.વ.૩૪) ૨૬મીએ રાતે સાડા નવેક વાગ્યે એક્ટીવા હંકારી ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં લીલાપર ગામ લાડલી પાર્ટી પ્લોટ નજીક પહોંચતા અહિ નવુ સ્પીડબ્રેકર બનાવ્યું હોઇ તેના પર એક્ટીવા સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર સંદિપભાઇ કારખાનામાં કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે દિકરી છે. કારખાનેથી કામ પુરુ કરી ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો. આધારસ્તંભના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૬)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
