<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સુરેન્‍દ્રનગર કલેકટર કચેરીમાં ઇડીના દરોડા બાદ ફાઇલોની તપાસ

કોની અને કેટલી ફાઇલો એનએ થઇ ? તે દિશામાં જુદી-જુદી તપાસ એજન્‍સીઓની તપાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૯:  ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેના જંગમાં સુરેન્‍દ્રનગર હાલ હોટસ્‍પોટ બન્‍યું હોય તેમ જણાય છે.  દરોડા બાદ હવે જિલ્લા તંત્ર દ્વારા આંતરિક તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્‍યો છે.

 સામાન્‍ય રીતે શનિ-રવિની રજામાં સરકારી કચેરીઓ સુમસામ હોય છે, પરંતુ સુરેન્‍દ્રનગર કલેક્‍ટર કચેરીમાં નજારો કંઈક અલગ જ જોવા મળ્‍યો છે. અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે રજાના દિવસે પણ આખી રાત જાગીને શંકાસ્‍પદ ફાઈલોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ઇડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કલેક્‍ટર કચેરીની છબી ખરડાઈ છે, ત્‍યારે હવે તંત્ર દ્વારા તમામ શંકાસ્‍પદ વહીવટોનો પર્દાફાશ કરવા માટે કમર કસવામાં આવી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, શનિવારે મોડી રાત સુધી કચેરીમાં લાઈટો ચાલુ હતી અને ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફાઈલોના પોટલાં ખોલવામાં આવ્‍યા હતા. આ તપાસનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય એ છે કે ભૂતકાળમાં જે જમીનો બિનખેતી (NA) કરવામાં આવી છે, તેમાં કયાં અને કેવી રીતે ગેરરીતિ થઈ છે.

આ તપાસમાં મુખ્‍યત્‍વે જમીન મહેસૂલ અને  કરવામાં આવેલી ફાઈલો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે. ખાસ કરીને સોલાર એનર્જીના નામે જમીન સોદાઓ થયા હોવાનું બહાર આવ્‍યું છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. કયા ગામમાં, કેટલી જમીન અને કયા ઉદ્યોગપતિ કે વ્‍યક્‍તિને ફાળવવામાં આવી છે તેનું સચોટ લિસ્‍ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેટલી ફાઈલોને ફખ્‍ ની મંજૂરી આપવામાં આવી?, આ ફાઈલો કોના દ્વારા અને કયા હેતુ માટે મૂકવામાં આવી હતી?, સોલાર પ્રોજેક્‍ટ્‍સ માટે અપાયેલી જમીનોની ફાઈલો કેટલી છે અને તે કયા ગામની છે?. તે તમામ વિગતો એકઠી કરાઈ રહી છે.

ઇડીના દરોડા બાદ નાયબ મામલતદાર પાસે રોકડ અને પુરાવા મળ્‍યા બાદ તત્‍કાલિન જિલ્લા કલેકટર સહિત ચાર સામે એસીબીમાં પણ ફરિયાદ નોંધાઇ છે. જે મામલે એ.સી.બી.ના ઉંચ અધિકારી સુરેન્‍દ્રનગર પહોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ મળેલ પુરાવા અગાઉના હોવાનું સામે આવતા પુર્વ કલેકટર સહિતના સ્‍ટાફ સુધી પણ રેલો પહોચે એવો મહેસુલી સ્‍ટાફમાં ગણગણાટ ચાલી રહયો છે.

(12:19 PM IST)