<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

દ્વારકાના આંગણે ઐતિહાસિક લઘુકુંભ જેવો માહોલ

પબુભા માણેકના યજમાનપદે ૫૪ કરોડ મંત્ર જાપના મહાસંકલ્‍પ સાથે યજ્ઞનું આયોજનઃ બે મહિનાથી તડામાર તૈયારી : ‘નેપાળી બાબા' તરીકે જાણીતા અયોધ્‍યાના મહંત આત્‍માનંદ દાસજીના સાનિધ્‍યમાં ૨૧,૦૦૦ બ્રાહ્મણો અને સાધકો દ્વારા વાતાવરણ ગુંજી ઉઠશેઃ ૧૧૦૦ દંપતિઓ જોડાશે

દેવભૂમિ દ્વારકા તા.૩૦: દેવભૂમિ દ્વારકા હાલમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના સનાતન ધર્મીઓ માટે આસ્‍થાનું કેન્‍દ્ર બન્‍યું છે. દ્વારકાના ધારાસભ્‍ય અને ધાર્મિક પ્રવળત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા અને શિવજીના પરમ ઉપાસક શ્રી પબુભા માણેકના યજમાનપદે એક ભવ્‍ય અને વિરાટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનો વ્‍યાપ અને આંકડાઓ સાંભળીને સૌ કોઈ અચંબિત થઈ જાય તેમ છે.

એક વિડીયો અહેવાલ મુજબ, આ મહાયજ્ઞનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ૫૪ કરોડ મંત્ર જાપ કરવાનો છે. સામાન્‍ય રીતે લાખોની સંખ્‍યામાં જાપ થતા હોય છે, પરંતુ અહીં કરોડોની સંખ્‍યામાં જાપનો સંકલ્‍પ લેવાયો છે જે આ આયોજનની ભવ્‍યતા દર્શાવે છે. આ માટે ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.

આટલી મોટી સંખ્‍યામાં જાપ પૂર્ણ કરવા માટે અંદાજે ૨૧,૦૦૦ જેટલા બ્રાહ્મણો અને સાધકો આ યજ્ઞમાં જોડાવાના હોવાનું જાણવા મળે છે.

આ સમગ્ર આયોજન અયોધ્‍યાના રામઘાટ સ્‍થિત સીતારામ આશ્રમના મહંત શ્રી આત્‍માનંદ દાસજી (નેપાળી બાબા) ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

નેપાળી બાબા તેમની કઠોર તપસ્‍યા અને સિદ્ધિઓ માટે જાણીતા છે અને તેઓ મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી મોહન યાદવના ગુરુ તરીકે પણ ચર્ચામાં આવેલા છે.

તેઓ અયોધ્‍યાના રામઘાટ સ્‍થિત ‘સીતારામ આશ્રમ'ના મહંત છે. તેમણે નેપાળના જંગલોમાં અને જનકપુરમાં આકરી તપસ્‍યા કરી હતી, તેથી ભક્‍તો તેમને પ્રેમથી ‘‘નેપાળી બાબા'' કહે છે.

બાકી તેઓ મૂળ ભારતીય જ છે. તેઓ મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી મોહન યાદવના ગુરુ ગણાય છે. ૨૦૧૬માં ઉજ્જૈન કુંભ વખતે તેમણે ભવિષ્‍યવાણી કરી હતી કે મોહન યાદવ ભવિષ્‍યમાં ઉચ્‍ચ પદ ઉપર (સીએમ) પર બિરાજશે, જે ૨૦૨૩ ડિસેમ્‍બરમાં સાચી પડી હતી.

યજમાન શ્રી પબુભા માણેક દ્વારા આવનારા તમામ સાધુ-સંતો અને બ્રાહ્મ ણો માટે રહેવા-જમવાની અને પૂજા-વિધિની તમામ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દ્વારકા નગરી હાલ વેદ મંત્રોના નાદથી ગુંજી રહી છે.

(11:31 AM IST)