તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 30th December 2025
દ્વારકાના આંગણે જાન્યુઆરીમા રચાશે ઈતિહાસઃ પરમ શિવભક્ત ધારાસભ્ય પબુભા માણેકના યજમાનપદે ૪૦ એકરમાં ચંડી મહાયજ્ઞ, દેવી ભાગવત અને મહા રૂદ્રાભિષેકનું વિરાટ આયોજન
અયોધ્યાના મહાન આધ્યાત્મિક સંત નેપાળી બાબાના સાનિધ્યમાં ૨૧,૦૦૦ જપિયાઓ દ્વારા ૫૮ કરોડ મંત્રજાપનો મહાસંકલ્પઃ ૧૧૦૦ યુગલો યજ્ઞમાં બેસશે : શ્રીમદ્દ દેવી ભાગવત કથાઃ તા. ૧૯ સોમવારથી તા. ૨૮-૦૧-૨૦૨૬ બુધવાર સુધીઃ સમય બપોરે ૩:૩૦ થી ૬:૩૦: ચંડી મહાયજ્ઞ તા. ૨૩થી તા. ૩૧-૦૧-૨૦૨૬: સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭

દ્વારકામાં ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આયોજીત ધર્મોત્સવની તસ્વીરી ઝલક. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)
દેવભૂમિ દ્વારકા તા.૩૦: સૌરાષ્ટ્રના પવિત્ર એવા યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આવતા વર્ષે જાન્યુઆરી માસમાં એક એવું ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે જેનો જોટો જડવો મુશ્કેલ છે.
દ્વારકાના ધારાસભ્ય અને પ્રેમ શિવભક્ત શ્રી પબુભા વિરમભા માણેકના યજમાનપદે અને અયોધ્યાના સિદ્ધ સંત મહંત શ્રી આત્માનંદ દાસજી (નેપાળી બાબા) ના માર્ગદર્શન હેઠળ ‘ચંડી મહાયજ્ઞ' અને ‘શ્રીમદ્દ દેવી ભાગવત કથા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મહાયજ્ઞ અને જાપની ભવ્યતા
આમંત્રણ પત્રિકામાં ૩૨ કરોડ જાપનો ઉલ્લેખ હતો, પરંતુ તૈયારીના વીડિયોમાં પબુભા માણેકે સ્વયં જાહેરાત કરી છે કે આ યજ્ઞમાં ૫૮ કરોડ મંત્ર જાપનો સંકલ્પ લેવાયો છે.
વિરાટ માનવબળ
આ મહાયજ્ઞમાં કુલ ૨૧,૦૦૦ જપિયા જપ કરવા બેસશે. જેઓ અનુષ્ઠાન કરશે. ઉપરાંત યજ્ઞકુંડ પર ૧૧૦૦ જોડી (યુગલો) પૂજામાં બેસશે.
૧૧૦૦ શિવલિંગનો અભિષેક
શ્રી પબુભા માણેકે જણાવ્યું હતું કે આ યજ્ઞ શાળામાં ૧૧૦૦ શિવલિંગ સ્થાપિત થશે અને તેનો મહારુદ્ર અભિષેક કરવામાં આવશે.
૪૦ એકરમાં આયોજન
આ કાર્યક્રમ માટે છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નાગેશ્વર રોડ પર આવેલ નંદી ગૌશાળા પાસે લગભગ ૪૦ એકર વિશાળ જમીનમાં યજ્ઞશાળા અને મંડપ તૈયાર થઈ રહ્યા છે.
કાર્યક્રમની તારીખો (વર્ષ ૨૦૨૬)
શ્રીમદ્દ દેવી ભાગવત કથાઃ તા. ૧૯-૦૧-૨૦૨૬ (સોમવાર) થી તા. ૨૮-૦૧-૨૦૨૬ (બુધવાર). સમયઃ બપોરે ૩:૩૦ થી ૬:૩૦. ચંડી મહાયજ્ઞ તા. ૨૩-૦૧-૨૦૨૬ થી તા. ૩૧-૦૧-૨૦૨૬. સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭.
પબુભા માણેકનો ભાવુક સંદેશ
વીડિયોમાં ધારાસભ્યશ્રી પબુભા માણેક અત્યંત શ્રદ્ધા સાથે જણાવે છે કે, ‘‘આ કામ પૈસાથી નથી થતું, આ તો દ્વારકાધીશ અને શિવની અસીમ કળપા હોય તો જ થાય છે.
આ એક ‘શાષાોક્ત યજ્ઞ' છે. જે ભાગ્યશાળી હશે અને જેના કર્મો સારા હશે તેને જ આ યજ્ઞના દર્શન અને ઓછામાં ઓછી ૪ પરિક્રમા કરવાનો લહાવો મળશે''.
તેમણે ઉમેર્યું હતું કે નેપાળી બાબા જેવા સમર્થ સંત જ્યારે રૂબરૂ અહીં બિરાજમાન હોય ત્યારે જ આવું શાષાોક્ત કાર્ય શકય બને છે
નેપાળી બાબાઃ નરેન્દ્રભાઇ અને યોગી આદિત્યનાથના સમર્થક
દેવભુમી દ્વારકા તા.૩૦: નેપાળી બાબા તરીકે હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા વ્યક્તિ મહંત આત્માનંદ દાસ છે, જેઓ અયોધ્યાના સાધુ છે. મૂળ નામ મહંત આત્માનંદ દાસ,હાલનું નિવાસસ્થાન અયોધ્યા (ઉત્તરપ્રદેશ), સીતારામ આશ્રમ, રામઘાટ,તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ના ગુરુ માનવામાં આવે છે.
રાજકીય ભવિષ્યવાણી૨૦૧૬માં ઉજ્જૈન સિંહસ્થ કુંભ મેળા દરમિયાન તેમણે ભવિષ્યવાણી કરી હતી કે મોહન યાદવ ભવિષ્યમાં રાજ્યના મુખ્યમંત્રી બનશે. જ્યારે ડિસેમ્બર ૨૦૨૩માં મોહન યાદવ સીએમ બન્યા, ત્યારે આ બાબા અને તેમની જૂની ભવિષ્યવાણી ફરીથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વાયરલ થઈ હતી.
‘નેપાળી બાબા' નામ કેમ પડ્યું?ઘણા લોકોને લાગે છે કે તેઓ નેપાળના છે, પરંતુ હકીકતમાં તેઓ અયોધ્યાના જ વતની છે.તેમણે લાંબો સમય નેપાળના ‘‘ધનુષ ધામ'' (જ્યાં ભગવાન રામે શિવ ધનુષ તોડ્યું હતું) માં તપસ્યા કરી હતી.જ્યારે તેઓ ત્યાંથી પાછા ફરતા હતા, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ તેમને પ્રેમથી ‘‘નેપાળી બાબા'' તરીકે બોલાવવાનું શરૂ કર્યું, અને ત્યારથી તે નામ પ્રચલિત થઈ ગયું.
તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથના પણ સમર્થક ગણાય છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે લાખો સાધુ-સંતોને ભોજન કરાવવાના સંકલ્પને લીધે પણ તેઓ ચર્ચાઓમાં હતા
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
