<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

વિસાવદરના ખીજડીયામાં મહિલા પર દિયર, બે ભત્રીજાનો ખૂની હુમલો

સસરાની સારવારના ખર્ચના મુદે કુહાડી મારતા જુનાગઢ સારવારમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: વિસાવદરના ખીજડીયામાં મહિલા પર દિયર, ૨ ભત્રીજાએ ખૂની હુમલો કરતા મહિલાને ગંભીર ઇજા થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પોલીસે બનાવ અંગે હત્‍યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વિસાવદર તાલુકાના ખીજડીયાના ૩૫ વર્ષીય ગીતાબેન રવિવારે બપોરે ૧ વાગ્‍યાના અરસામાં પતિ જગદીશ પુનાભાઈ ચારોલીયા તથા ૨ સંતાન સાથે પોતાના ઘરે હતા તે વખતે દિયર ગોવિંદ પુના, દીકરો વિજય, જેઠનો દીકરો કિશન નાનજી મહિલાના સસરાની બીમારીની સારવારના ખર્ચ મુદ્દે ભિમા હિસાબનું મનદુઃખ ચાલતું હોય તે બાબતે આવ્‍યા હતા.આ સમયે ગામના રાજુ કોળી, બાબુભાઈ કોળી, હમીરભાઇ ભરવાડ પણ હાજર હતા. મહિલાના પતિએ ગોવિંદને અગાઉના હિસાબ અંગે વાત કરતાં ત્રણેય ઉશ્‍કેરાઈ ગયા હતા. અને ગોવિંદ તથા વિજયએ ગીતાબેનને પકડી રાખી કિશન નાનજીએ ત્‍યાં પડેલ કુહાડી વડે તેના પર હુમલો કરતા મહિલાના પતિ છોડાવતા તેને ધક્કો મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી નાસી ગયા હતા. હુમલાથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત પ્રથમ બીલખા બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. આ ઘટના અંગે વિસાવદર પોલીસે ગીતાબેનની ફરિયાદ આધારે તેના દિયર, ભત્રીજા તથા જેઠના દીકરા સામે હત્‍યાની કોશિષ વગેરે ગુનો નોંધી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

(12:14 PM IST)