News of Tuesday, 30th December 2025
ધ્રોલના ખીજડીયામાં ખેડૂત નેતા પાલભાઇ આંબલીયાની અધ્યક્ષતામાં બેઠક
ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન મુદ્દે આંદોલનનું રણશિંગુ ફુંકાયું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૩૦: ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનોના પશ્ને ખેડૂતોમાં ફેલાયેલા રોષ વચ્ચે ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ખીજડીયા ગામે હરીચંદ્ર સિંહ જાડેજાની વાડીએ યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને વીજ લાઈનથી થતા નુકસાન અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ખેતરોની વચ્ચેથી પસાર થતી ઊંચી વીજ લાઈનોને કારણે ખેતીકામમાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ટ્રેક્ટર ચલાવવાથી લઈને સિંચાઈ સુધીના કામોમાં સતત જાનમાલનું જોખમ રહે છે. આ ઉપરાંત, જમીન સંપાદન અને વીજ લાઈન નાખવા સામે જે વળતર મળવું જોઈએ તે પણ પૂરતું મળતું ન હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી.
ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી જણાવ્યું હતું કે, વિકાસના નામે ખેડૂતોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે તે સાંખી લેવામાં નહીં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે અને તેમની સુરક્ષાના પ્રશ્નનો ઉકેલાશે નહીં, તો ખેડૂત હિતમાં આગામી દિવસોમાં ઉગ્ર સંઘર્ષનો માર્ગ અપનાવવામાં આવશે.
આ બેઠકમાં ખીજડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ એકસૂરે પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને અન્યાય સામે લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
