<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

જુનાગઢ જેલમાં ‘આપ'ના પ્રમુખ હરેશ સાવલીયાને માર માર્યો

૮ કેદીએ માર માર્યોઃ સામા પક્ષે કાચા કામના કેદીની અજાણ્‍યા કેદી સામે માર માર્યાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૧: જુનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખને ૮ કેદીએ ઢીકાપાટુનો માર મારી ઇજાગ્રસ્‍ત કરતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

વિસાવદરમાં ટેકાના ભાવના ખરીદ કેન્‍દ્ર પર બબાલ બાદ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્‍ય બે વ્‍યક્‍તિ સામે એટ્રોસિટી, છેડતી સહિતની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. સોમવારે ત્રણેયને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્‍યા હતા.

દરમિયાન ગઈકાલે સાંજે જેલમાં હરેશભાઈ છગનભાઈ સાવલિયા પોતાની મુલાકાત કરી પરત આવતા હતા. ત્‍યારે જેલના ૮ અજાણ્‍યા કેદીઓએ હરેશભાઈને એક બાજુ લઇ જઇ ગેરકાયદે મંડળી રચી કાઇ પણ કહ્યા વગર આડેધડ ઢીકા પાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્‍ત થયેલા હરેશ સાવલિયાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

જ્‍યારે સામા પક્ષે કાચા કામના કેદી સાગર કાનજીભાઈ ચાવડાએ અજાણ્‍યા કેદી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્‍યું હતું કે, ગઈકાલે સાંજે જેલના દવાખાના પાસે ઊભો હતો ત્‍યારે અજાણ્‍યો કેદી ગાળો બોલતા બોલતા નિકળતા તેને કાચા કામના કેદી સાગરે ગાળો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી તમે લોકોએ મારી ઉપર ખોટો એટ્રોસીટીનો કેસ કરાવેલ હોવાનું કહી ગટરનુ ઢાકણુ ઉપાડી માથાના ભાગે મારી ફરીવાર મારવા જતા સાગર ચાવડા હટી જતા તેને પછાડી દઈ માથાના ભાગે જીવલેણ ઘા મારી ઇજા પહોંચાડી હતી.

આ બંને બનાવ અંગે પોલીસે પરેશ સાવલિયા અને સાગર ચાવડાની ફરિયાદ લઈ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.(૨.૯)

(11:15 AM IST)