<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ગુલાબી ઠંડી વચ્ચે ચોટીલા ડુંગર પગથિયે યુવાધનની શકિતનું જોમ પ્રગટ્યું: બહેનોએ ૮.૨૩,ભાઇઓએ ૭.૦૪ મિનિટે ડુંગર સર કર્યો

ભાઇઓમાં સાપરનો પંચાળા સાહિલ પ્રથમ વિજેતા બન્યોઃ બહેનોમાં ચોથા વર્ષે સણોસરાની અસ્મિતા કટેશીયાએ પ્રથમ ક્રમાંક અકબંધ રાખ્યોઃ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ઉપર આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઇ

વઢવાણ- ચોટીલા તા.૩૧:  રાજ્યના પવિત્ર યાત્રાધામ અને હજારો લોકોનાં કુળદેવી ચામુંડા માતાજીના ધામ અને ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ એવા ચોટીલા ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી ચામુંડાનાં ડુંગર પર્વત ની આરોહણ-અવરોહણ સ્પર્ધા મંગળવારના સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ હતી.

આ સ્પર્ધામાં બહેનોએ ૮.૨૩ મિનિટ અને ભાઈઓએ ૭.૦૪ મિનિટમાં ચોટીલા ચામુંડા માતાજીનો પર્વત સર કરી પ્રથમ ક્રમાંકે વિજેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા, ડુંગર ટ્રસ્ટ યુવા મહંત લાલાબાપુ, નિરંજન બાપુ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, રમત ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, ડીવાયએસપી વિશાલ રબારી, મામલતદાર દેવેન્દ્ર વ્યાસ, ટીપીઇઓ ભોપાભાઇ પરમાર, બીઆરસી પ્રકાશભાઇ પરમાર, સરકારી હોસ્પિટલનાં ડો. મુકેશભાઇ સાકરીયા, આરોગ્ય વિભાગ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી સવારે ૭ કલાકે ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાનો પ્રારંભ કરાવેલ હતો

આ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષની વય ધરાવતા ૨૫૩ યુવાનો,૧૧૮ યુવતીઓ મળી કુલ ૩૭૧ સ્પર્ધકોનું ફાઇનલ ભાગ લેવા રજિસ્ટ્રેશન માન્ય થયેલ હતું જે પૈકી ૩૩૭ ભાઇઓ, બહેનોએ સ્પર્ધામા ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં પંચાળા સાહિલ અને બહેનોમાં કટેશિયા અસ્મિતા પ્રથમ ક્રમાંકે વિજેતા બનીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાના ભાગરૃપે સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ ડુંગર-પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ-૨૦૧૯ સુધી ગુજરાતમાં માત્ર જૂનાગઢ ખાતે જ ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું પરંતુ ત્યારબાદ પંચમહાલમાં પાવાગઢ, સાબરકાંઠામાં ઈડર અને રાજકોટમાં ઓસમ પર્વત તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે પણ જુનિયર ભાઈઓ/બહેનો ૧૪ થી ૧૮ વર્ષ માટે આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૃઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત છઠ્ઠી સ્પર્ધા મંગળવાર ની સવારે ચોટીલામાં સપન્ન થયેલ હતી.

પ્રાંત અધિકારી હર્ષદ મકવાણા એ વિજેતા સાથે દરેક સ્પર્ધકોને અભિનંદન પાઠવી યુવાઓને કહ્યું કે જીવન જીવવાનાં તમામ તમામ બોધપાઠ આ સ્પર્ધા માંથી મળે છે. જીવનમાં મક્કમ મનોબળથી ડુંગરની જેમ પગથિયા ચડી ટોચે પહોચી બેલેન્સ જાળવી રાખવું પડશે. ત્રણ દુશ્મનને ઓળખવા આળશ, વ્યશન અને બહાના કાઢવા ની વાત રજૂ કરી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ  પુરષ્કાર એનાયત કરવામાં આવેલ હતા

સ્પર્ધાને સુપેરે આયોજન પાછળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાનાં તેમજ સ્થાનિક પ્રશાસનનાં સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી

સ્પર્ધામાં ભાગ લેનાર દોડવીરોની સમયગાળો નિશ્ચિુત કરવા માટે સ્પર્ધક નાં પગમાં ચિપ્સનો ઉપયોગ કરાય છે. તેઓની દોડવાની શરૃઆત થી પૂરું કરે ત્યાં સુધીનો સમયગાળાની તેમા નોંધ  હોય છે. તેમજ  સચોટ પરિણામ મળી રહે છે તે માટે સમગ્ર સ્પર્ધાનું સુપરવિઝન સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવેલ હતું.

છઠ્ઠી ચામુંડા ડુંગર આરોહ અવરોહ સ્પર્ધા દરમ્યાન ઉતરતી વેળાએ ચાર સ્પર્ધકોને સામાન્ય ઇજા પહોચી હતી જેઓને હોમગાર્ડ જવાન અને અન્યો ઉચકીને નીચે લાવેલા જે પૈકી ત્રણ સ્પર્ધકોને વધુ સારવારની જરૃર જણાતા તેમને તાત્કાલિક ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપસ્થિત દરેકે હોમગાર્ડ યુવાનની કામગીરી ને બિરદાવી હતી.

રાજ્ય કક્ષાની ચોટીલા ડુંગર આરોહ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ટોપ ટેન વિજેતાઓને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધા સ્પર્ધક બનશે. (તસ્વીર- અહેવાલઃ હેમલ શાહ (ચોટીલા), ફઝલ ચોૈહાણ (વઢવાણ).(૨.૮)

 

ચોટીલા આરોહણ અવરોહણ ભાઇઓનું પરિણામ

    વિજેતા ક્રમ              નામ                                            સમય

    (૧)      પંચાળા સાહિલ મનસુખભાઈ            ૭.૦૪

    (૨)      ગળસર મેહુલ                  ૭.૦૯

    (૩)      રાવત અજ્યભાઈ                       ૭.૨૮

    (૪)      વાળા જયેશભાઈ બાબુભાઇ              ૭.૩૫

    (૫)      વસાવા પાર્થભાઇ                        ૭.૪૦

    (૬)      ડાભી આશિષભાઇ                       ૭.૪૩

    (૭)      ઝાપડીયા ઉમેશભાઇ                    ૭.૪૪

    (૮)      સોલંકી નિર્મલભાઇ                      ૭.૪૬

    (૯)      ભિંસડીયા શકિતકુમાર                   ૭.૫૨

    (૧૦)    ડાભી સંદિપ મનસૂખભાઇ               ૭.૫૯

ચોટીલા આરોહણ અવરોહણ બહેનોનું પરિણામ

    વિજેતા ક્રમ              નામ                                    સમય

    (૧)                કટેશિયા અસ્મિતાબેન                      ૮.૨૩

    (૨)              જાંબુકીયા રસીલાબેન                  ૯.૪૦

    (૩)              ભવનિયા શ્રેયાબેન         ૯.૪૫.૫

    (૪)              વાળા કાજલબેન                ૯.૫૩

    (૫)              ચૌહાણ હેતલબેન                  ૯.૫૩.૭

    (૬)              કટેશિયા ધર્મિષ્ઠાબેન             ૧૦.૧૦.૪

    (૭)              શેખ છાયાબેન             ૧૦.૧૮

    (૮)              સોલંકી સુહાનીબેન                  ૧૦.૨૨

    (૯)              બરૈયા હર્ષિતાબેન                   ૧૦.૨૪

    (૧૦)               માલકિયા પૂજાબેન             ૧૦.૩૦.૧૦

(12:19 PM IST)