<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ગઢડાથી દ્વારકા સનાતન ધર્મ ઉત્‍કર્ષ પદયાત્રાનો કાલથી પ્રારંભ

શ્રી ગોપીનાથજી મંડળ ગઢપુર અને શ્રી જુનાગઢ સત્‍સંગ સમાજ દ્વારા આયોજનઃ પદયાત્રામા હજારો લોકો જોડાશેઃ રાત્રી રોકાણ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઃ તા.૧૨ ના રોજ દ્વારકા ધર્મસભા અને ધજાજી મહોત્‍સવ બાદ યાત્રાનું સમાપન

(વિજય વસણી દ્વારા)ગાંધીનગર તા.૧ શ્રી ગોપીનાથ મંડળ ગઢપુર અને જુનાગઢ સત્‍સંગ સમાજ દ્વારા આયોજિત ગઢપુર (ગઢડા સ્‍વા.)થી દ્વારકા સુધીની પદયાત્રાનો કાલે સવારે મંગલા આરતીના દર્શન બાદ પ્રારંભ થશે આ યાત્રામાં હજારો લોકો જોડાશે.

ભગવાન શ્રી સ્‍વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે સર્વે જે અમારા આશ્રિત છે તેમણે દ્વારકા આદિક મુખ્‍ય તીર્થની યાત્રા પોતાના સામર્થ પ્રમાણે કરવી.

આ આજ્ઞા પ્રમાણે વડતાલ દેશ દક્ષિણ વિભાગનાં પરમ ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજ દ્વારા તથા ભાવી આચાર્ય  નળગેન્‍દ્રપ્રસાદજી મહારાજ અને લાલજી પુષ્‍પેન્‍દ્રપ્રસાદજી મહારાજ તથા લાલજી યજ્ઞેન્‍દ્રપ્રસાદજી મહારાજ, દિગ્‍વિજયેન્‍દ્રપ્રસાદજી મહારાજ સહિત ધર્મકુળ પરીવારના આશીર્વાદથી આ પદયાત્રાનુ આયોજન કરવામા આવ્‍યુ છે તેમજ ધર્મકુળ પરીવાર રોજ આ પદયાત્રામાં જોડાવવાના હોય પદયાત્રીમા અને હરિભક્‍તોમાં ખુબજ ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

આ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભગવાન શ્રી દ્વારકાધીશનો રથ તૈયાર કરવામાં આવેલ છે.

કાલુ સવારે ૫.૩૦ કલાકે શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરી યાત્રા પ્રસ્‍થાન કરશે આ સમયે વડતાલથી  પુષ્‍પેન્‍દ્રપ્રસાદજી મહારાજ પધારી યાત્રીઓને આશિર્વાદ આપશે.

આ યાત્રામાં પુજ્‍ય વહુજી મહારાજ,  બચુબા, લાલીરાજા, ભાણીબા પણ જોડાવાના હોય મહીલા યાત્રીઓમાં ખુબજ ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે ઉપરાંત ગઢડાથી એસ.પી સ્‍વામી તથા શાષાી ઘનશ્‍યામ વલ્લભદાસજી વગેરે સંતો ભક્‍તો તથા સાંખ્‍યોગી બહેનો યાત્રામાં જોડાશે.

ભગવાનનાં અખંડ નામ જપ સાથે રોજ સત્‍સંગ કથા કરતાં આ યાત્રા નિકળશે આ યાત્રામાં આવનાર યાત્રિકોની રહેવા જમવાની સંપુર્ણ સુવિધા નિઃશુલ્‍ક યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવશે.

યાત્રાનું રાત્રી રોકાણ કરિયાણા, મોટા દેવળીયા, સુલતાનપુર, જેતપુર, ડુમિયાળી, બીલડી, રાણાવાવ, રાતડી, લાંબા બંદર અને આવડ માતાજી મંદિર પાસે દ્વારકા રોડ રહેશે તા.૧૨ ના સવારે ૯ વાગ્‍યે પદયાત્રા પહોંચશે દ્વારકા સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં ધર્મ સભા યોજાશે ત્‍યારબાદ દ્વારકાધીશ મંદિરે ધજા ચડાવી દર્શન કરીને યાત્રા પૂર્ણ કરવામાં આવશે.

ઉપરોક્‍ત યાત્રા બોટાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર જિલ્લામાંથી પસાર થઈ દ્વારકા પહોંચશે.

ગઢડા મંદિરથી ૩ હજાર પદયાત્રીઓ જોડાશે બાદ જે ગામમાંથી યાત્રા પસાર થશે તે ગામના પદયાત્રીઓ જોડાતા જશે દ્વારકા પહોંચતા ૧૨ હજાર પદયાત્રીઓ જોડાશે તેવુ છપૈયા સ્‍વામીએ માહીતી આપતા જણાવ્‍યુ હતુ.

આ યાત્રામાં ચાલતાં યાત્રીઓની સવલતો માટે ૩૫ થી વધુ ટ્રેક્‍ટર, ૪ આઈસર ટ્રક, ૩૦ ગાડી, પાણીનાં ૫ ટેન્‍કર આદિ વાહનોનો કાફલો સાથે રહેશે.

આ યાત્રામાં જોડાવવા યાત્રાના મુખ્‍ય આયોજક ધનશયામ વલ્લભદાસ સ્‍વામી અને એસ.પી.સ્‍વામીએ યાદીમાં જણાવ્‍યુ છે.

(1:19 PM IST)