<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની વકી, ખેડૂતોમાં ચિંતાનું મોજું

માવઠાની અસર ઓછી થયા બાદ રાજ્‍યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્‍ડ શરૂ થવાની પણ સંભાવના : ઉત્તર ભારતના પહાડી વિસ્‍તારોમાં થઈ રહેલી હિમવર્ષા બાદ ઠંડા પવનો ગુજરાત તરફ ફૂંકાવાની શકયતા

રાજકોટ, તા.૧:  ગુજરાત રાજ્‍યના વાતાવરણમાં ફરી એકવાર મોટો બદલાવ જોવા મળ્‍યો છે. હવામાન વિભાગ અને વિવિધ વેધર મોડેલ્‍સ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્‍ય પર સક્રિય થયેલા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતના વિસ્‍તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્‍ચે આજે પણ માવઠાની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વિવિધ ડિજિટલ મીડિયા અને હવામાન નિષ્‍ણાતોના અહેવાલો મુજબ, પાકિસ્‍તાન અને તેની આસપાસના વિસ્‍તારોમાં સર્જાયેલા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ ખેંચાઈ આવ્‍યા છે.

આ સિસ્‍ટમ્‍સને કારણે રાજ્‍યના અનેક ભાગોમાં હાલ ‘ડબલ ઋતુ'નો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો વર્તાય છે, તો બીજી તરફ દિવસ દરમિયાન વાદળછાયું આકાશ રહેતા ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ પંથકમાં તેમજ સૌરાષ્‍ટ્રના અમુક જિલ્લાઓ અને કચ્‍છના છૂટાછવાયા વિસ્‍તારોમાં આજે પણ હળવા થી મધ્‍યમ વરસાદી ઝાપટાં પડવાની શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ વિસ્‍તારોમાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને સૂર્યપ્રકાશ ઓછો જોવા મળશે. પવનની ગતિમાં પણ સામાન્‍ય ફેરફાર જોવા મળી શકે છે.

આ કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્‍યના ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. હાલ રવિ પાકની સીઝન ચાલી રહી છે, ત્‍યારે જીરું, ઘઉં, રાયડો અને ધાણા જેવા પાકો ખેતરોમાં ઉભા છે. જો વધુ માવઠું થાય તો તૈયાર થવા આવેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. કળષિ નિષ્‍ણાતોના મતે, વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે પાકમાં રોગજીવાતનો ઉપદ્રવ વધવાની પણ શકયતા રહેલી છે.

હવામાન અંગેની અપડેટ આપતી વિવિધ સંસ્‍થાઓના જણાવ્‍યા મુજબ, આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન વાતાવરણમાં આ પ્રકારનો અસ્‍થિર માહોલ જોવા મળી શકે છે.

માવઠાની અસર ઓછી થયા બાદ રાજ્‍યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્‍ડ શરૂ થવાની પણ સંભાવના છે. ઉત્તર ભારતના પહાડી વિસ્‍તારોમાં થઈ રહેલી હિમવર્ષા બાદ ઠંડા પવનો ગુજરાત તરફ ફૂંકાશે, જેના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે અને ઠંડીનું જોર વધશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને વહેલી સવારે ધુમ્‍મસનો પણ સામનો કરવો પડી શકે છે

(1:44 PM IST)