નવા વર્ષના પ્રારંભે દેવભૂમિ દ્વારકા પોલીસની લાલ આંખ : લૂંટ ચલાવતી ગેંગના ત્રણ માથાભારે શખ્સો વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી અલગ-અલગ જેલમાં ધકેલી દેવાયા
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરાતા ખંભાળીયાના ત્રણ ઇસમોની અટકાયત : પાલનપુર, ભુજ અને વડોદરાની જેલોમાં હવાલે કરાયા

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળીયા, તા. 1 જાન્યુઆરી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભમાં જ જિલ્લામાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરતી ટોળકીના ત્રણ માથાભારે શખ્સો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.
કડક કાર્યવાહીનો આદેશ:
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા માથાભારે ઇસમો તેમજ દારૂ-જુગારની પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયાની રાહબરી હેઠળ પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસની વિગતો એકત્ર કરી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
મેજિસ્ટ્રેટ દ્વારા ત્વરિત નિર્ણય:
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર રાજેશ એમ. તન્નાએ સમાજમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને લોકો ભયમુક્ત જીવન જીવી શકે તેવા હકારાત્મક અભિગમ સાથે આ પાસા દરખાસ્તને તાત્કાલિક મંજૂરી આપી અટકાયત વોરંટ ઇશ્યૂ કર્યા હતા. વોરંટ મળતાની સાથે જ એલ.સી.બી. ટીમે ત્રણેય શખ્સોને રાઉન્ડ અપ કરી તેમની જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.
જેલ હવાલે કરાયેલા શખ્સોની વિગત:
પોલીસે પાસા એક્ટ ૧૯૮૫ હેઠળ જે ત્રણ શખ્સોની અટકાયત કરી છે તેની વિગતો નીચે મુજબ છે:
* સચીન કરમણભાઇ ચોપડા: રહે. ખોડીયાર ચોક, ખંભાળીયા. આ આરોપીને પાલનપુર જિલ્લા જેલ, બનાસકાંઠા ખાતે મોકલવામાં આવ્યો છે.
* કિશન ઉર્ફે પાંચો કાનજીભાઇ બગડા: રહે. ખોડીયાર ચોક, ખંભાળીયા. આ ઇસમને પાલારા ખાસ જેલ, ભુજ-કચ્છ ખાતે મોકલાયો છે.
* વિશાલ ઉર્ફે વિસુ સિદુભાઇ માયાણી: રહે. મિલન ચાર રસ્તા પાસે, ખંભાળીયા. તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર ટીમ:
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભુપેશ જોટણીયા, નાયબ કલેકટર મનોજકુમાર દેસાઇ, પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી, નાયબ મામલતદાર નિલેશભાઇ કરમુર, તેમજ પી.એસ.આઈ. વી.એન. શીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા અને એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
