<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

જામનગરમાં પૂ. કૃષ્ણમણીજી મહારાજના 62 માં શુભ જન્મ ઉત્સવની ઉજવણી : રક્તદાન કેમ્પ ઉપરાંત ગુરુ વંદના સહિતના કાર્યક્રમો યોજાયા : સંતો મહંતો અને અગ્રણીઓએ પૂજન કર્યું

શ્રી 5 નવતનપુરીધામના પ્રાંગણમાં દેશ વિદેશમાંથી ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસની વધાઈ સાથે વંદના કરવામાં આવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : જામનગરમાં આવેલ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વડા અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના 62માં શુભ જન્મ ઉત્સવની 1 જાન્યુઆરી, 2026ના સવારથી ઉજવણી નો પ્રારંભ થયો છે. શ્રી 5 નવતનપુરી ધામના પ્રાંગણમાં  દેશ વિદેશમાંથી ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસની વધાઈ સાથે વંદના કરવામાં આવી હતી. 

અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય શ્રીકૃષ્ણમણીજી મહારાજના 62માં શુભ જન્મ ઉત્સવ પ્રસંગે સવારથી જી.જી હોસ્પિટલ સ્થિત સરકારી બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 62 થી વધુ લોકોએ રક્તદાન કરી માનવ જીવન બચાવવાના સેવાયજ્ઞમાં જોડાઈ અનોખી ગુરુ ભક્તિ અદા કરી હતી. તો આ પ્રસંગે ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ મંદિર નિર્માણ માટે પણ સેવાની સરવાણી વહાવી હતી. (તસ્વીર: કિંજલ કારસરીયા-જામનગર)

(11:54 AM IST)