<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

કોડિનાર રેલવે સ્ટેશન બન્યું દીપડાઓનું કાયમી રહેઠાણ

તંત્રના પાપે કોડીનારની જનતા મુશ્કેલીમાં:લોકો દિવસે પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે હજુ ગત અઠવાડિયે જ અહીંથી એક દીપડો પાંજરે પુરાયો છે

કોડીનાર : ગાયકવાડ શાસન વખતનું ઐતિહાસિક વિરાસત સમાન કોડીનારનું રેલવે સ્ટેશન આજે સ્થાનિકો માટે 'મૃત્યુના સ્ટેશન' સમાન બની ગયું છે. છેલ્લા ૧૦ વર્ષથી મીટરગેજ ટ્રેન બંધ થતા જ રેલવે તંત્રએ આ મિલકતને રામભરોસે છોડી દીધી છે. આજે આ સ્ટેશન પરિસરમાં માણસ ડૂબી જાય તેટલા ગીચ બાવળો ઊગી નીકળ્યા છે, જેના કારણે શહેરની મધ્યમાં એક અઘોચર જંગલ ઉભું થયું છે.ભયના ઓથાર હેઠળ જીવતા રહીશો આ પરિસર હવે માત્ર અસામાજિક તત્વોનો અડ્ડો નથી, પણ હિંસક દીપડાઓનું કાયમી રહેઠાણ બની ગયું છે. થોડા સમય પહેલા જ એક માસૂમ બાળકીને હિંસક પશુએ ફાડી ખાધી હતી, છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ૨૦ થી ૨૫ સોસાયટીઓ વચ્ચે આવેલા આ 'કૃત્રિમ જંગલ'માં દીપડાઓની અવરજવર એટલી વધી ગઈ છે કે લોકો દિવસે પણ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. હજુ ગત અઠવાડિયે જ અહીંથી એક દીપડો પાંજરે પુરાયો છે.તંત્રની વિચિત્ર કાર્યપદ્ધતિ સ્થાનિકોનો આક્રોશ તંત્રની જડતા સામે છે. એક તરફ રેલવે પોતે આ ગંદકી અને ઝાડી-ઝાંખરાની સફાઈ કરતું નથી, અને બીજી તરફ જો કોઈ સફાઈ કરવા તૈયાર થાય તો RPF કાયદાની આટીઘૂંટી બતાવીને રોકે છે. નગરપાલિકા રેલવેની હદ હોવાથી લાચાર છે. આમ, *મરો તો કોના વાંકે?* જેવી સ્થિતિમાં જનતા ફસાઈ છે.

સવાલ સુરક્ષાનો છે વિકાસના બણગા ફૂંકતું રેલવે મંત્રાલય શું નાગરિકોના જીવની કિંમત નથી સમજતું? નવા સ્ટેશનના નિર્માણમાં વિલંબ અને જૂની મિલકતની જાળવણીમાં બેદરકારી આ બંને વચ્ચે કોડીનારની જનતા પિસાઈ રહી છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? હવે સમય આવી ગયો છે કે રેલવે તંત્ર પોતાની કુંભકર્ણ નિંદ્રા ત્યાગીને આ જંગલ સાફ કરે અને જનતાને ભયમુક્ત કરે.

(10:04 PM IST)