<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

કાલે રાજ્‍ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા, ૧૧૧૫ સ્‍પર્ધકો દોટ મૂકશે

સ્‍પર્ધાની તૈયારીઓને અંતિમ ઓપઃ ૧૫૦૦થી વધુ સભ્‍યોને સીપીઆર તાલીમઃ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ફલેગ ઓફ આપશેઃ સ્‍પર્ધા પૂર્ણ થઈઃ ઇનામ વિતરણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩ :.. આવતીકાલ રવિવારે રાજ્‍ય કક્ષાની ગિરનાર અવરોહણ સ્‍પર્ધા યોજાશે. ગુલાબી ઠંડીમાં રાજ્‍યભરના ૧૧૫ સ્‍પર્ધકો ગિરનાર સર કરવા દોટ મુકશે. સવારે ૬-૪૫ વાગ્‍યે રાજ્‍યના મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા ફલેગ ઓફ આપી સ્‍પર્ધાનો પ્રારંભ કરાવશે. સ્‍પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે.

યુવાઓના જોમ અને જુસ્‍સાને પડકારતી ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા સૌથી કઠિન ગણાય છે. રવિવારે રાજ્‍ય કક્ષાની ૪૦મી ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધાનું આયોજન કરાયું છે. તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાઈઓ માટે ૫૫૦૦ પગથિયા અને બહેનો માટે ૨૨૦૦ પગથિયા ચડવા ઉતરવાના રહેશે. રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવા સિનિયર અને જુનિયર ભાઈઓ બહેનો મળી ચારેય કેટેગરીમાં કુલ ૨૪ જિલ્લાના ૧૩૭૭ ઉમેદવારોની અરજી આવી હતી, જેમાંથી ૨૬૨ અરજી રદ થઈ છે. હવે ૧૧૧૫ સ્‍પર્ધકો આ સ્‍પર્ધામાં ભાગ લેશે. આજે બપોર સુધીમાં ભાઈઓએ સનાતન ધર્મશાળા અને કોળી સમાજ વાડી ખાતે તેમજ બહેનોએ ભરવાડ સમાજ વાડી ખાતે રિર્પોટિંગ કરવાનું રહેશે.

હાલ હૃદય રોગ અને શ્વાસ ચડવાના બનાવ વધી રહ્યા છે. સ્‍પર્ધકો ગિરનાર ઝડપથી ડોકે છે જેથી સ્‍પર્ધામાં ભાગ લેનાર સ્‍પર્ધકોને હૃદય સંબંધિત સમસ્‍યા સર્જાય તો તાત્‍કાલિક સારવાર આપી શકાય તે માટે સ્‍પર્ધામાં સંકળાયેલા તમામ લોકો માટે સી.પી.આર. તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આજે ભવનાથ તળેટી ખાતે તમામ સ્‍પર્ધકોનું રિર્પોટિંગ પૂર્ણ થયા બાદ ચેસ્‍ટ નંબર અને ટીશર્ટ આપવામાં આવશે અને ત્‍યારબાદ બપોરે મંગલનાથ બાપુના આશ્રમે સિવિલ હોસ્‍પિટલની મેડિકલ ટીમ દ્વારા સ્‍પર્ધકો, વ્‍યાયામ શિક્ષકો, ટ્રેનરો અને કમીઓ ૧૫૦૦થી વધુ લોકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે.

આજે રાત્રિથી યાત્રીકોએ ગિરનાર જવા પર પ્રતિબંધ

રવિવારે રાજ્‍યકક્ષાની ગિરનાર સ્‍પર્ધા યોજાનાર છે. સ્‍પર્ધા દરમ્‍યાન સ્‍પર્ધકોને અડચણ ન થાય એ માટે આવતીકાલે તા.૩ના રાત્રીના બાર વાગ્‍યાથી તા.૪ના બપોરે બાર વાગ્‍યા સુધી યાત્રિકોએ ગિરનાર પર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

(11:54 AM IST)