News of Saturday, 3rd January 2026
૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારમાં ૪ જાન્યુઆરીના રોજ ચાર મતદાન મથકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ :સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારણે પરીક્ષાર્થીઓની સુવિધા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાતી વૈકલ્પિક વ્યવસ્થા
રવિવારના એક દિવસ દરમિયાન સંબંધિત વિસ્તારના મતદારોએ આ વૈકલ્પિક મતદાન મથકોનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા કરાતી અપીલ : કેટલાક મતદાન મથકો ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કેન્દ્રો કાર્યરત હોવાથી પરીક્ષાર્થીઓની સુવિધા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સહયોગની અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૦૩
૭૯–જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આગામી તા. ૦૪ જાન્યુઆરી, ૨૦૨૬ (રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જોકે, આ દિવસે નિર્ધારિત કેટલાક મતદાન મથકો ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કેન્દ્રો કાર્યરત હોવાથી પરીક્ષાર્થીઓની સુવિધા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા એક દિવસ માટે ચાર મતદાન મથકોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જે અંતર્ગત, નેશનલ હાઇસ્કૂલનું વૈકલ્પિક મતદાન મથક સમસ્ત હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, પવનચકી પાસે રહેશે. શ્રી એલ.જી. હરિયા સ્કુલનું વૈકલ્પિક મતદાન મથક પ્રાથમિક શાળા નં.૧૦/૩૭, જુનો હુડકો, રણજિતનગર ખાતે તેમજ શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલયનું વૈકલ્પિક મતદાન મથક પ્રાથમિક શાળા નં.૫૬/૬૦, કૃષ્ણનગર-૩ ખાતે કાર્યરત રહેશે. આ ઉપરાંત, શ્રી પ્રણામી હાઈસ્કુલનું વૈકલ્પિક મતદાન મથક શ્રી પાનીબેન મારું બાલમંદિર, જામનગર ખાતે રાખવામાં આવ્યું છે.
રવિવારના એક દિવસ દરમિયાન સંબંધિત વિસ્તારના મતદારોએ આ વૈકલ્પિક મતદાન મથકોનો ઉપયોગ કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપવા ૭૯–જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
