News of Sunday, 4th January 2026
ભાવનગરમાં: તરસમિયા રોડ પર યુવાનની કરપીણ હત્યા
હોસ્પીટલ ખાતે ટોળા ઉમટયાઃ પોલીસ તપાસનો ધમધમાટ

ભાવનગર: ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના ગ્રાફમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક હચમચાવનારી ઘટના શહેરના તરસમિયા રોડ પર બની છે, જ્યાં એક 37 વર્ષીય આશાસ્પદ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, તરસમિયા ખારસી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવાન જ્યારે તરસમિયા રોડ પર આવેલી આરાધના સ્કૂલ સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનને લોહીલુહાણ હાલતમાં કરી મૂક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળા એકઠા થતા વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ભરતનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો.
પોલીસે પરિસ્થિતિને થાળે પાડી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ હત્યા કયા કારણોસર કરવામાં આવી? જૂની અદાવત હતી કે પછી તાત્કાલિક કોઈ ઝઘડો થયો હતો? તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ભરતનગર પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓ સુધી વહેલી તકે પહોંચી શકાય.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
