<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

થાનગઢમાં પ્રસિદ્ધ જોગ આશ્રમના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળતા અફરાતફરી

સ્ટોર રૂમમાં રાખેલી પ્લાસ્ટિકની ખુરશીઓ અને પીવીસી પાઇપ જેવો સામાન બળીને ખાખ થઈ

   સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા પ્રસિદ્ધ જોગ આશ્રમ ખાતે આજે આગની એક ગંભીર ઘટના બની હતી. આશ્રમ પરિસરમાં આવેલા સ્ટોર રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્ટોર રૂમમાં રાખેલી પ્લાસ્ટિકની ખુરશીઓ અને પીવીસી પાઇપ જેવો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગની જાણ થતા જ સ્થાનિક લોકો અને આશ્રમના સેવકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

જોગ આશ્રમના નીચેના ભાગમાં આવેલા સ્ટોર રૂમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં લેવા માટે સૌ પ્રથમ થાનગઢ નગરપાલિકાના ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યું હતું. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના ફાયર ફાઇટરમાં પાણીનો પૂરતો ફોર્સ (જોશ) ના હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી. સ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક ચોટીલાથી વધારાના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી.

(8:15 PM IST)