<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

મોરબીના ઐતિહાસિક નહેરૂગેટના ઉપરના ભાગેથી પથ્થરો પડ્યા; પતંગના દોરાના ઘર્ષણે સર્જી જોખમભરી સ્થિતિ : જુઓ વિડીયો

ગેટના ઉપરના ભાગે પતંગ ઉડાવતા બાળકના દોરાના ઘર્ષણથી પથ્થરો તૂટીને નીચે પડ્યા: તંત્ર દ્વારા તપાસના આદેશ

મોરબી: મોરબીની ઐતિહાસિક ધરોહર અને શહેરની મધ્યમાં આવેલા નહેરૂગેટ ખાતે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. ગેટના ઉપરના ભાગે પતંગ ઉડાવતા બાળકના દોરાના ઘર્ષણથી પથ્થરો તૂટીને નીચે પડ્યા હતા. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, નહેરૂગેટના ઉપરના હિસ્સામાં એક બાળક પતંગ ઉડાવી રહ્યો હતો. પતંગનો દોરો ગેટના પથ્થરો સાથે વારંવાર ઘસાવાને કારણે પથ્થરના ટુકડાઓ છૂટા પડીને નીચે માર્ગ પર પડ્યા હતા. આ સમયે નીચેથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે પથ્થર કોઈને વાગ્યો ન હતો અને મોટી જાનહાનિ ટળી હતી. સિટી ઈજનેર હિતેશ આદ્રોજાએ આ બાબતે ગંભીરતા દાખવી તપાસ કરવાની ખાતરી આપી છે.
નહેરૂગેટ એ મોરબીની શાન અને સ્થાપત્યનો અજોડ નમૂનો છે 
આ ઘટના બાદ ઐતિહાસિક ઈમારતોની જાળવણીનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. મોરબીના નહેરૂગેટ સાથે જોડાયેલી કેટલીક ઐતિહાસિક બાબતો નીચે મુજબ છે:
 નહેરૂગેટ મોરબીના પ્રજાવત્સલ રાજવી સર વાઘજી ઠાકોરના સમયમાં બનાવવામાં આવ્યો હતો. તે સમયે મોરબીને 'સૌરાષ્ટ્રનું પેરિસ' બનાવવાના વિઝન સાથે આ ભવ્ય દરવાજાનું નિર્માણ થયું હતું.
 આ ગેટ યુરોપિયન અને રાજપૂત શૈલીના મિશ્રણ સમાન છે. તેની કલાત્મક કોતરણી અને મજબૂત પથ્થરો મોરબીની ભવ્યતાના સાક્ષી રહ્યા છે.
નહેરૂગેટ માત્ર એક દરવાજો નથી, પણ મોરબીના મુખ્ય બજારનું કેન્દ્રબિંદુ છે. ભૂતકાળમાં અહીંથી જ શહેરની સુરક્ષા અને વેપારની ગતિવિધિઓનું સંચાલન થતું હતું.
 ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં મોરબીમાં ઘણું નુકસાન થયું હતું, છતાં નહેરૂગેટ પોતાની મજબૂતી અને શાન જાળવીને અડીખમ રહ્યો હતો.

(9:31 PM IST)