<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

કાલાવડમાં નદી પાસે પતંગ લૂંટતી વખતે વિજકરંટથી ૧૬ વર્ષના નફીશનું મોત

મકર સંક્રાંતિ નજીક છે ત્‍યારે આવા આકસ્‍મિક બનાવો વધી જાય છેઃ વાલીઓ પણ જાગૃત બને તે જરૂરી

 

 

રાજકોટ તા. ૫: કાલાવડના કુંભનાથપરામાં રહેતાં ૧૬ વર્ષના સગીરનું નદી કાંઠે પતંગ લુંટતી વખતે વિજથાંભલામાંથી કરંટ લાગવાને કારણે મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રહેતો નફીશ અહેમદઇદ્રીશભાઇ સોલંકી (ઉ.વ.૧૬) ગત સાંજે સાડા પાચેક વાગ્‍યે ગામની ફુલકુડી નદી પાસે રમતો હતો ત્‍યારે પતંગ કપાઇને આવતાં તે પતંગ લૂંટવા દોડયો હતો. આ વખતે વિજ થાંભલામાંથી કરંટ લાગતાં બેભાન જેવો થઇ જતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર નફીશ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મકર સંક્રાંતિનો તહેવાર નજીકમાં છે ત્‍યારે ખાસ કરીને બાળકો, તરૂણો પતંગ પકડવા કે પતંગ ઉડાડતી વખતે અકસ્‍માતનો ભોગ બનતાં હોવાની ઘટના વધી જતી હોય છે. ત્‍યારે વાલીઓ પણ જાગૃત રહે તે જરૂરી છે. બાળકો પતંગ ઉડાડતા હોય ત્‍યારે શક્‍ય હોય તો વાલીઓએ સાથે રહેવું જરૂરી છે. જેથી કરીને ધાબા પરથી પતંગ ઉડાડતી વખતે બાળકો પડી ન જાય કે અકસ્‍માતનો કે વિજકરંટનો ભોગ ન બને. જાહેરમાં પતંગ ઉડાડવી ન જોઇએ. આમ છતાં બાળકો જો મેદાનમાં પતંગો ઉડાડે તો નજર રાખવી જોઇએ. પતંગ લૂંટવાના પ્રયાસમાં તે અકસ્‍માતનો ભોગ ન બને તે માટે ધ્‍યાન રાખવું જોઇએ. (૧૪.૬)

 

 

 

(11:09 AM IST)