News of Monday, 5th January 2026
સેજકપરની સીમમાં નીલગાયનો શિકાર કરી માંસ વેચતી ટોળકી પર વન વિભાગનો મધરાત્રે દરોડો
સાયલા વન વિભાગે ફિલ્મી ઢબે પીછો કરી બે શિકારીઓને દબોચ્યા : કાર, બાઇક અને રોકડ સહિતના મુદ્દામાલ જપ્ત : બે દિવસના રીમાન્ડ : ૩૦ કર્મચારીઓની ટીમે પાર પાડયું ઓપરેશન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. પઃ સુરેન્દ્રનગર સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક વી.એન.ગોસ્વામી તથા મદદનીશ વન સંરક્ષક વાય. એમ.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગ સતર્ક બન્યું છે. આ દરમિયાન સાયલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઇ બી.મકવાણાને સેજકપર ગામના રેવન્યુ સર્વે નંબર-૩૭૫માં નીલગાયનો શિકાર થતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે સાયલા રેન્જના વનપાલ, વનરક્ષકો અને ક્ષેત્રીય સ્ટાફ સહિત ૨૫ થી ૩૦ કર્મચારીઓની ટીમે ગત તા.૦૧/૦૧/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે સેજકપર ગામે ઓચિંતી રેઇડ કરી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ પર પાંચ ઇસમો નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા, જે પૈકી ત્રણ ઇસમો અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા જ્યારે વન વિભાગની ટીમે સતર્કતા દાખવી પીછો કરીને કુરેશી જુબેદ ઇબરાલ અહેમદ અને હનીફ ઇબ્રાહીમ સંધી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ રાત્રિના સમયે માદા નીલગાયનો શિકાર કરી તેને વેચાણ અર્થે કાપતા હોવાની કબૂલાત કરી હતી. તપાસનીશ અધિકારી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની વિવિધ કડક કલમો હેઠળ ગુન્હો નોંધી સ્થળ પરથી અંદાજે ૩૦ કિલો માંસ, ગુન્હામાં વપરાયેલી સેન્ટ્રો કાર, બાઇક, બે તીક્ષ્ણ છરા, લોખંડના સળીયા, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ ૧૯,૨૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓને તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ સાયલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાના તાર કયાં જોડાયેલા છે અને નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સો કોણ છે તેની સઘન તપાસ માટે વન વિભાગે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શકયતા સેવાઈ રહી છે.
આ સફળ કામગીરીમાં સામાજિક વનીકરણ વિભાગ, વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગર મકવાણા અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
