તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Monday, 5th January 2026
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સામે ગાળિયો કસાયો, તપાસ માટે ૬ સભ્યોની 'સીટ'ની રચના
ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત કેસમાં નિષ્પક્ષ તપાસ માટે એસીબી દ્વારા અધિક નિયામક બિપિન અહિરેના નેતૃત્વમાં અમદાવાદ એસીબીના નાયબ નિયામક શ્રીમતી પંડ્યા, રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, મદદનીશ નિયામક આર.બી. દેસાઈ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ

સુરેન્દ્રનગર/ગાંધીનગર: રાજ્યમાં ચકચાર જગાવનારા સુરેન્દ્રનગરના બહુચર્ચિત જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર મામલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીન કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકત વસાવવા અંગેના ગુનાની તપાસ હવે 'સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ' (સીટ) કરશે.
એસીબી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર પ્રેસ નોટ મુજબ, આ કૌભાંડની તટસ્થ અને ઝડપી તપાસ થાય તે હેતુથી એસીબીના નિયામક પીયૂષ પટેલે એક ખાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ 'સીટ'ની કામગીરી એસીબીના અધિક નિયામક બિપિન અહિરેના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ચાલશે.
આ કેસમાં નીચે મુજબના ૪ મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમની સામે હવે સીટ તપાસનો ધમધમાટ શરૂ કરશે:
૧. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ (તત્કાલીન કલેક્ટર, સુરેન્દ્રનગર, વર્ગ-૧)
૨. ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર, વર્ગ-૩)
૩. મયૂર ગોહિલ (ક્લાર્ક, જિલ્લા કચેરી, સુરેન્દ્રનગર, વર્ગ-૩)
૪. જયરાજસિંહ ઝાલા (પી.એ. ટુ કલેક્ટર, સુરેન્દ્રનગર, વર્ગ-૩)
તપાસ ટીમમાં કોનો સમાવેશ?
એસીબી દ્વારા બનાવવામાં આવેલી ૬ સભ્યોની આ સીટમાં રાજ્યના અલગ-અલગ ઝોનના બાહોશ અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ એસીબીના નાયબ નિયામક શ્રીમતી બી.જે. પંડ્યા, રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, મુખ્ય મથકના મદદનીશ નિયામક આર.બી. દેસાઈ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તમામ અધિકારીઓ હવે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુના સંદર્ભે સઘન તપાસ કરશે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
