News of Tuesday, 6th January 2026
કચ્છમા શેર બજારમાં ઇન્વેસ્ટની ટિપ બતાવતી એપ ડાઉનલોડ કરી રોકાણ કરતાં ૩૨ લાખ રૂપિયા ગુમાવ્યા
ઓનલાઇન ફ્રોડથી સાવધાન, રૂપિયા કમાવવાને બદલે ગુમાવવાનો વારો : ઝડપથી ઘણા રૂપિયા કમાઈ લેવાની લાલચમાં ફસાઈ પોતાની કમાણીના લાખો રૂપિયા ગુમાવવાના બનાવો ધ્યાનમાં હોવા છતાયે ઠગાઈ જનારાઓની સંખ્યા વધી રહી છે. તેનું મૂળ કારણ છે લાલચ !!

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : ઝડપથી ઘણા રૂપિયા કમાઈ લેવાની લાલચમાં ફસાઈ પોતાની કમાણીના લાખો રૂપિયા ગુમાવવાના બનાવો ધ્યાનમાં હોવા છતાયે ઠગાઈ જનારાઓની સંખ્યા વધી રહી છે. તેનું મૂળ કારણ છે લાલચ !!. આવા જ એક કિસ્સામાં ભુજના ભાનુશાલી નગરમાં રહેતા રહેવાસીએ પોતાની કમાણીના ૩૨ લાખ ૮૨ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસ ચોપડે આ બાબતે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત ૪/૧૧/૨૫ ના તેમને વ્હોટ્સ એપ ગ્રુપમાં એડ કરાયા હતા જેમાં દરરોજ શેર માર્કેટની ટિપ્સ આપી આઈપીઓ અને અન્ય રોકાણમાં સફળતાની ઊંચી ટકાવારી દર્શાવવામાં આવતી હતી. તેમાં ફરિયાદીને ઇન્વેસ્ટ માટે પૂછતા હા પાડતા ORLM LLC ગ્રુપ સર્વિસના મેનેજર દ્વારા લિન્ક મોકલાવાઈ હતી જે ફરિયાદી હિતેશભાઈ એ ડાઉન લોડ કરી રૂપિયા શેર બજારની લિન્ક વાળી કંપનીના ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ૩/૧૨ થી ૨૩/૧૨ દરમ્યાન ૧૩ વખત કુલ રકમ રૂપિયા ૩૨ લાખ ૮૨ હજાર ટ્રાન્સફર કરી દીધા. પરંતુ રૂપિયા વિડ્રો કરાવવા તેમણે પ્રોસેસ કરી તો રૂપિયા એમના ખાતામાં ટ્રાન્સફર ન થયા પણ પેન્ડિગ પ્રોસેસ બતાવી બીજા રૂપિયા ભરવાનો મેસેજ આવ્યો. એટલે ફરિયાદીને છેતરાયા હોવાનો ખ્યાલ આવતા અંતે હવે એમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
----/////////////////--------------
મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણનો આરોપી પોલીસ કર્મી જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થતાં ચકચાર
ભુજ પાલારા જેલના જેલરે શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ ફરાર થયા હોવા અંગે હાઇકોર્ટ, ભુજ કોર્ટ અને પશ્ચિમ કચ્છ એસપી ને જાણ કરી
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬
રાજ્યભરમાં ચકચાર સર્જનાર કચ્છના મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મુખ્ય આરોપી પૈકીના એક એવા પોલીસ કર્મી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થયા હોવાના બનાવે ચકચાર સર્જી છે. આરોપી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલે હાઇકોર્ટમાં વચગાળાના જામીનની માંગણી કરતાં ૨૪/૧૨/૨૦૨૫ થી ૨/૧/૨૦૨૬ એમ ૧૦ દિવસના જામીન મંજૂર કરાયા હતા. પરંતુ ૩/૧ ના જેલમાં હાજર ન થતાં આ બાબતે ભુજની પાલારા જેલના જેલરે ગુજરાત હાઇકોર્ટ, ભુજ સેશન્સ કોર્ટ અને પશ્ચિમ કચ્છ એસપી ને ૪/૧ ના જાણ કરી આરોપી ફરાર થતાં તેની ધરપકડ કરવા અંગે વિનંતી કરતો રિપોર્ટ કર્યો છે. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત રાજકોટના સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈ દ્વારા પણ કોર્ટમાં રિપોર્ટ કરાયો છે. હાલે આ ગુનાના મુખ્ય આરોપીઓની કોર્ટમાં દલીલો ચાલુ છે ત્યારે જ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ ફરાર થતાં ચકચાર સર્જાઈ છે. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણ બાદ જે તે સમયે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓની કાયદા વિરુદ્ધની કામગીરી ચર્ચામાં આવી હતી.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
