<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

જય સરદાર મંડળીનો કીર્તિમાનઃ ધ્રોલ તાલુકામાં ૨૧૩ કરોડની મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી

ધ્રોલ તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નવો કીર્તિમાનઃ ૧૨,૩૨૯ ખેડૂતો પાસેથી ૨૧૩ કરોડની ખરીદી સંપન્ન

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૬: રાજ્‍ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ધ્રોલ તાલુકાએ એક નવો કીર્તિમાન સ્‍થાપિત કર્યો છે. ધ્રોલ તાલુકાના લતીપુર સ્‍થિત ‘શ્રી જય સરદાર ખેત ઉત્‍પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી' દ્વારા સિદ્ધિવિનાયક સેન્‍ટર ખાતે તાલુકાના તમામ નોંધાયેલા ૧૨,૩૨૯ ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. રાજ્‍ય સરકાર દ્વારા આ ખેડૂતો પાસેથી અંદાજે ૨૧૩ કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરવામાં આવી છે.

જય સરદાર ખેત ઉત્‍પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી, લતીપુરના પ્રમુખ શ્રી રસિકભાઈ ભંડેરીએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ધ્રોલ તાલુકામાંથી સિદ્ધિવિનાયક સેન્‍ટર ખાતે નોંધાયેલા તમામ ખેડૂતોની મગફળીની ખરીદી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ખરીદી પેટે ખેડૂતોને તેમની ઉપજનું પેમેન્‍ટ પણ સરકાર દ્વારા સમયસર સીધું ખાતામાં જમા કરી દેવામાં આવે છે. ખરીદ સેન્‍ટર પર ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સંસ્‍થાના વહીવટી સ્‍ટાફ દ્વારા પૂરતું ધ્‍યાન રાખવામાં આવ્‍યું હતું, જેને પરિણામે ખેડૂતોમાં ભારે હર્ષોઉલ્લાસની લાગણી પ્રવર્તી રહી છે.

આ સફળ કામગીરી બદલ પ્રમુખ શ્રી રસિકભાઈ ભંડેરીએ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કળષિ મંત્રીશ્રી તેમજ પૂર્વ કળષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ સાથે જ તેમણે ધ્રોલ તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો, ખેડૂત ભાઈઓ, પત્રકાર મિત્રો તેમજ પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ વ્‍યક્‍તિઓનો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો. નોંધાયેલા તમામ ખેડૂતોની ખરીદી પૂર્ણ થતા ધ્રોલ તાલુકો મગફળી ખરીદીમાં અગ્રેસર રહ્યો છે.

આ ખરીદી પ્રક્રિયામાં કોયપણ ખેડૂતને મુશ્‍કેલી પડેલ હોય તો દિલગીરી વ્‍યક્‍ત કરું છું આ ખરીદીમાં આવેલ તમામ ખેડૂતોએ આપેલ સાથ સહકાર બદલ હું આભાર માનું છું.

(1:25 PM IST)