News of Wednesday, 7th January 2026
યુક્રેનમાં બંદી રહેલ સાહિલની તેની માતા સાથે વાતચીત, સુપ્રીમ કોર્ટના વકીલે સાહિલ સાથે કરી મુલાકાત.
સાહિલ અને તેની માતા વચ્ચે વ્હોટ્સએપ વિડિઓ કોલ દ્વારા વાતચીત: અંદાજે ૧૮ મિનિટ સુધી ચાલી. આ દરમિયાન માતા-પુત્ર બંને તરફથી ભાવુક દ્રશ્યો સર્જાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રશિયામાં અભ્યાસ માટે ગયેલો મોરબીનો સાહિલ માજોઠી યુક્રેનમાં ફસાયેલ છે. ડ્રગ્સ કેસમાં ફસાવી રશિયન જેલમાં મોકલાયા બાદ તેને યુદ્ધમાં ધકેલવાનો પ્રયાસ કરાયો, જોકે સાહિલે માનવતા અને જીવ બચાવવાનું પસંદ કરીને યુક્રેનમાં સરેન્ડર કર્યું. હવે છેલ્લા સાડા ત્રણ મહિનાથી તે યુક્રેનમાં છે, અને તેને વતન પરત લાવવા તેની માતા દ્વારા રાજ્ય સરકારથી લઈ દિલ્હી હાઈકોર્ટ સુધી પ્રયાસો ચાલી રહ્યા છે. આખરે બાર મહિના બાદ માતા-પુત્રની વિડિયો કોલમાં વાત થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
છેલ્લા સાડા ત્રણ મહિનાથી સાહિલ યુક્રેનમાં છે. તેને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી હાઇકોર્ટ સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ પ્રયત્નોના ભાગરૂપે દિલ્હી હાઇકોર્ટના વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યા અને સાહિલને મળ્યા. સોમવારે બપોરે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં, બાર મહિના બાદ સાહિલ અને તેની માતા વચ્ચે વ્હોટ્સએપ વિડિઓ કોલ દ્વારા વાતચીત થઈ, જે અંદાજે ૧૮ મિનિટ સુધી ચાલી. આ દરમિયાન માતા-પુત્ર બંને તરફથી ભાવુક દ્રશ્યો સર્જાયા અને બંનેની આંખોમાંથી ચોધાર આંસુ વહેતા રહ્યા. યુક્રેનમાં આવેલા ભારતીય દૂતાવાસના અધિકારીઓએ પણ સાહિલને મળીને જલ્દી ભારત પરત મોકલવાની ખાતરી આપી હોવાનું પરિવાર દ્વારા જણાવાયું છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
