<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાનો મોટો ધડાકોઃ લાઈવ કાર્યક્રમમાં આર્થિક ભીંસ સ્‍વીકારી, રોકાણકારોને નાણાં પરત કરવાની ખાતરી આપી

 

રાજકોટ તા.૭: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ કરોડો રૂપિયાના ફસામણીના આક્ષેપો વચ્‍ચે મૌન તોડ્‍યું છે. એક ન્‍યૂઝ ચેનલના લાઈવ કાર્યક્રમમાં તેમણે સ્‍વીકાર્યું હતું કે વ્‍યવસાયમાં મંદી અને ઊંચા વ્‍યાજને કારણે આર્થિક મુશ્‍કેલી સર્જાઈ છે, પરંતુ તેમણે ખાતરી આપી છે કે લોકોના પૈસા સુરક્ષિત છે અને તબક્કાવાર પરત કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્રના રાજકારણમાં ગરમાવો લાવનારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા સાથે જોડાયેલા કરોડો રૂપિયાના વિવાદમાં નવો વળાંક આવ્‍યો છે. બજારમાં ૭૦૦ થી ૮૦૦ કરોડ રૂપિયા ફસાયા હોવાની ચર્ચાઓ વચ્‍ચે જયંતી રાજકોટિયાએ પ્રથમ વખત જાહેરમાં આવીને ‘ન્‍યૂઝ રૂમ ગુજરાત' ચેનલના ‘ગર્જનાથ' કાર્યક્રમમાં પોતાની સ્‍પષ્ટતા રજૂ કરી હતી. કાર્યક્રમના સંચાલક દીક્ષિત ઠક્કર અને કિશન કંટેશીયા સાથેની વાતચીતમાં તેમણે વર્તમાન પરિસ્‍થિતિ અને ભવિષ્‍યના આયોજન અંગે ખુલ્લા દિલે વાત કરી હતી.

મંદી અને વ્‍યાજના ચક્રમાં ફસાયા હોવાનો સ્‍વીકાર

જયંતી રાજકોટિયાએ સ્‍વીકાર્યું હતું કે ભૂતકાળમાં જમીન લે-વેચ અને નાણાં ધીરધારના વ્‍યવસાયમાં બજારની મંદીને કારણે તેમને મોટો ફટકો પડ્‍યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, અંદાજે ૩૦૦ થી ૩૫૦ કરોડની રકમ પર દર મહિને ૧ ટકા જેટલું વ્‍યાજ ચૂકવવું પડતું હતું. આ ઊંચા વ્‍યાજ દર અને સમયસર વળતર ન મળવાને કારણે દેવાનો બોજ ઉત્તરોત્તર વધતો ગયો. ખાસ કરીને રાજકોટ સ્‍થિત એક ભાગીદારી પેઢીમાં રોકાયેલા નાણાંમાં મોટું નુકસાન થયું હોવાનું તેમણે કબૂલ્‍યું હતું. (રાજકોટમાં તાજેતરના સમયમાં અબજો રૂપિયામાં બે પેઢીઓ ઉઠી ગઈ તે સૂચક છે)

રાજકીય ષડયંત્ર અને અફવાઓ અંગે સ્‍પષ્ટતા

પોતાના બચાવમાં દલીલ કરતા તેમણે કહ્યું હતું કે તેઓ છેલ્લા ૨૫ વર્ષથી વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે અને સમાજમાં એક વિશ્વસનીય પ્રતિષ્ઠા ધરાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જેવી આ આર્થિક મુશ્‍કેલીની જાણ થઈ કે તરત જ તેમના રાજકીય વિરોધી જૂથ દ્વારા રાતોરાત અફવાઓ ફેલાવવામાં આવી. તેમણે દાવો કર્યો હતો કે તેમના પરિવારના વિદેશ સ્‍થાયી થવાની વાતો પાયાવિહોણી છે અને માત્ર ઉશ્‍કેરણી ફેલાવવા માટે આવી વાતો વહેતી કરવામાં આવી છે.

પૈસા સુરક્ષિત છે, પણ સમય લાગશે

કાર્યક્રમ દરમિયાન જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે શું તેઓ લેણદારોનો સામનો કરશે? ત્‍યારે તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં આશ્વાસન આપ્‍યું હતું કે, ‘‘જેમના પણ પૈસા મારી પાસે છે તે તમામ રકમ સુરક્ષિત છે. વ્‍યાપારીક મુશ્‍કેલીઓને કારણે વિલંબ થઈ રહ્યો છે, પરંતુ હું ધીમે-ધીમે અને તબક્કાવાર સૌની ચુકવણી પૂરી કરી દઈશ.'' તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગના વ્‍યવહારો પતાવટના માર્ગે છે અને લોકો સહમતીથી રાહ પણ જોઈ રહ્યા છે.

આ સમગ્ર પ્રકરણમાં મોરબી ભાજપ પ્રમુખના એકરાર બાદ પણ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર યથાવત છે. હવે જોવાનું એ રહે છે કે આ આશ્વાસન મુજબ લેણદારોને કયારે અને કેવી રીતે નાણાં પરત મળે છે.(૨.૬)

જયંતિ રાજકોટિયાએ દેવુ સ્‍વીકારવા સાથે પૈસા પરત

આપવાનો વચન આપ્‍યું? સમય લાગશે તેવી સૂચક વાત કરી

મોરબી ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા ટીવી ચેનલ ઉપર લાઈવઃ દેવું સ્‍વીકાર્યું, પૈસા પરત આપવાનું વચન

મોરબી જિલ્લામાં ૭૦૦-૮૦૦ કરોડના કથિત કૌભાંડ મામલે ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ ‘ન્‍યૂઝ રૂમ ગુજરાત'ના કાર્યક્રમમાં મહત્‍વના ખુલાસા કર્યા છે

દેવાનો સ્‍વીકારઃ મંદી, ફાઇનાન્‍સ ભાગીદારી અને ૩૦૦-૩૫૦ કરોડ પર ૩ મહિને ૧ ટકા વ્‍યાજ ચૂકવવાને કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હોવાનું કબૂલ્‍યું.

અફવાઓનું ખંડનઃ વિદેશ ભાગી જવાના દાવાઓને નકારી કાઢયા અને વિરોધીઓ દ્વારા બદનામ કરવાનું કાવતરું ગણાવ્‍યું.

ચુકવણીની ખાતરીઃ રોકાણકારોને હૈયાધારણ આપી કે ‘‘પૈસા સુરક્ષિત છે, થોડો સમય લાગશે પણ તબક્કાવાર બધાને રકમ પરત કરવામાં આવશે.''

સામાજિક છબીઃ છેલ્લા ૨૫ વર્ષથી જાહેર જીવનમાં હોવાનો અને લોકોનો વિશ્વાસ હોવાનો તેમણે દાવો કર્યો.(

(11:18 AM IST)