News of Wednesday, 7th January 2026
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના વિરનગરથી ખડવાવડી રોડના રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત સંપન્ન
રૂ. ત્રણ કરોડના ખર્ચે ૭.૬.કિ.મી.નો રોડ નવો બનશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણઃ તા. ૭, જસદણ તાલુકામાંના વિરનગરથી ખડવાવડી ગામ સુધીના રોડના રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે યોજાયું હતું.
વિરનગરથી ખડવાવડી સુધીના ૭.૬ કિલોમીટર લાંબા આ માર્ગનું રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેનાથી ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને આવનજાવનમાં વધુ સરળતા રહેશે.આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ એમ બાવળીયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, બે ગામોને જોડતા આ મહત્વના રસ્તાનું રિસરફેસિંગ થવાથી લોકોના સમય અને ઇંધણની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે. તેમજ ખડવાવડી પાસેના હનુમાનજી મંદિરે જતા દર્શનાર્થીઓને પરિવહનમાં સરળતા રહેશે. આ પંથકમાં થઈ રહેલા રસ્તાઓ, શિક્ષણ તેમજ આરોગ્યને લગતા વિવિધ વિકાસ કામોની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જિલ્લામાં સૌથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલ તથા હાયર સેકન્ડરી સ્કૂલ જસદણ પંથકમાં છે. તાજેતરમાં જ સર્વ સમાજના હિત માટે જનકલ્યાણ શિવવંદના પદયાત્રા યોજવા બદલ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું વિવિધ સમાજના લોકો તથા વિવિધ ગામોના સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ-પંચાયતના મદદનીશ ઇજનેર એસ. આર. ઝાલાએ રોડ રિસરફેસિંગના કામની તાંત્રિક વિગતો આપતા કહ્યું હતું કે, કિસાન પથ યોજના હેઠળ આ રોડની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી, અરજણભાઈ રામાણી, નાયબ કાર્યપાલક ઈજનેર જયેશભાઈ રાઠોડ, હનુમાન મંદિરના મહંત પૂજ્ય દ્વારકેશદાસબાપુ, વિવિધ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
