News of Wednesday, 7th January 2026
પોરબંદર જિલ્લામાં ગણતંત્ર દિનની ગરિમાપૂર્ણ ઉજવણી માટે તૈયારીઃ રાણાવાવમાં મુખ્ય ધ્વજવંદન
જિલ્લા કલેકટર એસ.ડી. ધનાણીના માર્ગદર્શન હેઠળ ધ્વજવંદન આયોજન અંગે બેઠક મળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃતા.૭, આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના ''પ્રજાસત્તાક પર્વ''ની જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની ગરિમા જળવાય અને નાગરિકોમાં દેશભકિતનો સંચાર થાય તે રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠક દરમિયાન કલેકટરશ્રીએ જિલ્લા કક્ષાના આ મુખ્ય સમારોહમાં પરેડ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભકિતના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આયોજન કરવા સબંધિત વિભાગોને સૂચના આપી હતી. કલેકટરશ્રીએ કાર્યક્રમ સ્થળ પર બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવા વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારીઓ સોંપી હતી. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લાની તમામ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવા, સ્વચ્છતા ,વૃક્ષારોપણ કરવા તેમણે સૂચન કર્યું હતું. આ ઉપરાંત, વિવિધ સરકારી વિભાગો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરતા ટેબ્લો તેમજ સ્ટોલ તૈયાર કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પોરબંદર જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે સરકારી વિનયન કોલેજ રાણાવાવને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઇનચાર્જ નિવાસી અધિક કલેકટર રેખાબા સરવૈયા, અધિક કલેકટર શ્રી એન. બી. રાજપુત, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી. બી. મહેતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અન્ય કેટલાક અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી પણ આ બેઠકમાં જોડાયા હતા.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
