<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

પોરબંદર જિલ્લામાં સી-ફુડ અને એગ્રો સહિત ઉદ્યોગો માટે ર૩૦ કરોડનું રોકાણઃ ૩૩૭ એમ.ઓ.યુ.

વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ હેઠળ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રોમાં નવો પ્રાણ ફુંકાયોઃ ઉદ્યોગ સાહસિકોના રજીસ્‍ટ્રેશનમાં વધારો : પોરબંદર જિલ્લામાં મુખ્‍ય ઇન્‍વેસ્‍ટમેન્‍ટમાં એગ્રો અને સી-ફુડ મેન્‍યુફેકચરીંગ ક્ષેત્રે રોકાણકારોએ વધુ રસ દાખવ્‍યોઃ કૃષિ પેદાશો સિંગદાણા અને બરડાડુંગરની કેરીના પલ્‍વને પ્રોસેસ કરીને આખરી ઉત્‍પાદન ઉપર ભાર મુકાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭:વાઈબ્રન્‍ટ ગુજરાત રીજન્‍લ કોન્‍ફર્ન્‍સ - ૨૦૨૬ હેઠળ પોરબંદર જિલ્લામાં રૂ. ૨૩૦ કરોડના રોકાણ માટે ૩૩૭ એમઓયુ થયા છે. જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને નવો વેગ, સી-ફૂડ, સર્વીસ સેક્‍ટર અને એગ્રો પ્રોસેસિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે આ એમ.ઓ.યુ. થયા છે.

વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટના ભાગરૂપે જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે નવા પ્રાણ ફૂંકાયા છે. સંયુક્‍ત ઉદ્યોગ કમિશનર અને જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર શ્રી ડી.આર. પરમારે જણાવ્‍યું હતું કે, પોરબંદર હવે માત્ર મત્‍સ્‍યોદ્યોગ પૂરતું મર્યાદિત ન રહેતા સર્વિસ સેક્‍ટર, ટ્રેડિંગ અને મેન્‍યુફેક્‍ચરિંગમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં જિલ્લામાં જ્‍યાં ૭,૬૦૦ જેટલા ઉદ્યોમીઓ નોંધાયેલા હતા, તે આંકડો ૨૦૨૫ માં વાઈબ્રન્‍ટ ગુજરાત રીજન્‍લ કોન્‍ફર્ન્‍સના જિલ્લા સ્‍તરીય કાર્યક્રમના અંતે ૨૦,૦૦૦ને પાર કરી ગયો છે. ઉદ્યોગ સાહસિકોના રજિસ્‍ટ્રેશનમાં થયેલો આ ૧૬૦ ટકાનો ઉછાળો પોરબંદરના બદલાતા આર્થિક ચિત્રની ગવાહી આપી રહ્યો છે.

જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર ડી.આર. પરમારે જણાવ્‍યુ હતુ કે, પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્‍સાહન આપવા માટે હાથ ધરાયેલી પહેલના પરિણામે જિલ્લા સ્‍તરીય વાઈબ્રન્‍ટ ગુજરાત પ્રોગ્રામમાં કુલ ૩૩૭ જેટલા એમઓયુ (MOU) થયા છે, જેના દ્વારા આશરે રૂ. ૨૩૦ કરોડથી વધુનું રોકાણ આવવાની શકયતા છે. આ રોકાણોમાં મુખ્‍યત્‍વે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્‍સ તેમજ સી-ફૂડ મેન્‍યુફેક્‍ચરિંગ ક્ષેત્રે રોકાણકારોએ વધુ રસ દાખવ્‍યો છે. ખાસ કરીને પોરબંદરની કળષિ પેદાશો જેવી કે મગફળી (સિંગદાણા) અને બરડા ડુંગરની કેરીઓના પલ્‍પને પ્રોસેસ કરીને આખરી ઉત્‍પાદન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્‍યો છે. આ ઉપરાંત, મિનરલ બેઝ્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં પણ નવા સાહસો આકાર લઈ રહ્યા છે.

ઉદ્યોગોના વિકાસ માટે જિલ્લામાં માળખાકીય સુવિધાઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. જીઆઈડીસી એસ્‍ટેટ અને ખાસ સી-ફૂડ પાર્ક જેવી સુવિધાઓમાં નવીનતમ પહેલ સાથે ઔદ્યોગિક પ્રગતિને પ્રોત્‍સાહન અપાઈ રહ્યું છે. સરકારની આ યોજનાઓ અને રોકાણકારોના ઉત્‍સાહને જોતા આગામી સમયમાં પોરબંદર જિલ્લો પ્રોસેસિંગ અને મેન્‍યુફેક્‍ચરિંગ હબ તરીકે ઉભરી આવશે, જે સ્‍થાનિક રોજગારી અને અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર ડી.આર. પરમારે જણાવ્‍યું હતું.

પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર ડી.આર. પરમાર

(12:10 PM IST)