News of Wednesday, 7th January 2026
ઇરાકના વેપારી સાથે કરોડોની ઠગાઇના ગુનામાં પાટીદાર યુવકને આગોતરા જામીન પર છોડવા ગોંડલ કોર્ટનો આદેશ

રાજકોટ, તા. ૦૭ : ઈરાકના બગદાદ શહેરના વેપારી પાસેથી તલ અને મગફળી એકસપોર્ટ કરવાના નામે કરોડો રૂપીયા લઈ છેતરપીંડી કરવાના ગુન્હામાં આરોપી ઉર્વીષ પટેલના આગોતરા જામીન ગોંડલની સેશન્સ અદાલતે મંજૂર કરેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, ઈરાકના બગદાદ શહેર ખાતે રહેતા અબ્દુલા રજાક રાઘી કે મે. વાડી અલ્શાહદ કંપની ફોર જનરલ ટ્રેડીંગ કાું. નામની પઢીના માલીક છે તેઓને ગોંડલ ખાતે મે. કર્તવ્ય ઇનકોર્પોરેશન પેઢીના પ્રોપરાઈટર સોનલબેન પટેલ તથા ઉર્વિશ પટેલનાઓએ સોશ્યલ મીડીયાના માધ્યમથી સંપર્ક કરી પોતે મોટા વેપારી હોવાનું જણાવી તેના પુરાવાઓ રૂપે જી.એસ.ટી. તથા ઈમ્પોર્ટ-એકસપોર્ટનું સર્ટીફીકેટ મોકલી પોતાની પાસે તલ અને મગફળીના ફોટા અને વિડીયો મોકલી સારી ગુણવતા વાળો માલ હોવાનું જણાવી અબ્દુલા રજાક રાધીને વિશ્વાસમાં લઈ ધંધો કરવા જણાવેલ હતું જેથી ઈરાકના વેપારી અબ્દુલા રજાક રાઘીએ બીઝનેસ કરવા સહમતી દર્શાવી તા. ૧૨/૦૨/૨૦૨૫ના રોજ સેલ્સ કોન્ટ્રાકટ સાઈન કરેલ અને ૫૪ મેટ્રીક ટન તલ અને ૧૦૮ મેટ્રીક ટન મગફળી આ સોનલ પટેલ તથા ઉર્વીષ પટેલે મોકલવાના થતા હોય જે પેટે ૧,૮૭,૯૨૦/ અમેરીકન ડોલર (ભારતીય ચલણ મુજબ રૂ. ૧, ૬૩, ૭૯, ૬૨૧/- (અંકે રૂપીયા એક કરોડ ત્રેસઠ લાખ ઓગણએંસી હજાર છસ્સો એકવીસ પુરા)) આ સોનલ પટેલના બેંક એકાઉન્ટમાં તા. ૧૨-૧૩/૦૩/૨૦૨૫ના રોજ એડવાન્સ પેટે ટ્રાન્સફર કરાવી અબ્દુલા રજાક રાધીને માલ કે પેમેન્ટ પરત આપેલ ન હતા જેથી સોનલ પટેલ તથા તેના ૫તિ ઉર્વીષ પટેલ વિરૂધ્ધ ગોંડલ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહીતાની કલમ ૪૦૯ તથા ૧૨૦બી મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.
આરોપી ઉર્વીષ પટેલ વિરૂધ્ધ ફરીયાદ દાખલ થતા પોલીસની ધરપકડથી રક્ષણ મેળવવા પોતાના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે ગોંડલ સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી, જે આગોતરા જામીન અરજી સુનાવણી માટે આવતા આરોપી વિત એવી દલીલો કરાયેલ હતી કે એફ.આઈ.આર. અંદાજે અઢાર મહિના બાદ દાખલ કરવામાં આવેલ છે જેનો કોઈ યોગ્ય ખુલાસો કરવામાં આવેલ નથી.
જયારે સામા પક્ષે પોલીસ દ્વારા આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતા દલીલ કરેલ હતી કે આરોપી વિરૂધ્ધ નામજોગ અને ગંભીર પ્રકારનો ગુન્હો છે અને માત્ર ઈરાકના વેપારીસાથે ઠગાઈ જ નહી પરંતુ GST વિભાગ સાથે પણ કરોડોની છેતરપીંડી કરેલ હોવાનુ તપાસમાં જણાવેલ છેઆમ જો આરોપીને જામીન આપવામાં આવે તો માત્ર પોલીસ તપાસ જ નહી પરંતુ GST ની તપાસ પણ ખોરંભાય તેમ હોય આગોતરા જામીન ન આપવા રજુઆતો કરાયેલ હતી.
તમામ પક્ષકારોની દલીલોના અંતે અદાલતે આરોપી તરફે થયેલ દલીલો સાથે સહમતી દર્શાવી આરોપી ઉર્વીષ પટેલને કસ્ટોડીયલ ઈન્ટરોગેશનની જરૂરીયાત ન હોવાનું ઠરાવી પોલીસ તપાસમાં સહકાર આપવા અને પાસપોર્ટ જમા કરાવવાની શરતે પોલીસની ધરપકડથી રક્ષણ આપી આગોતરા જામીન મંજૂર કરેલ હતા.
આ કામે આરોપી ઉર્વીષ પટેલ વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી રોકાયેલ હતા.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
