<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બાબરામાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર તાત્‍કાલિક મંજૂર કરવાની માંગ

ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઇ મલકાણ દ્વારા ધારદાર રજૂઆત

(દિપક કનૈયા દ્વારા)  બાબરા, તા.૭: બાબરા શહેરમાં આવેલ વર્ષો જુનું સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર હાલ અત્‍યંત જર્જરિત હાલતમાં છે. રાજકોટ-ભાવનગર નેશનલ હાઇવેને અડીને આવેલ હોવા છતાં આ આરોગ્‍ય કેન્‍દ્રમાં જરૂરી આધુનિક આરોગ્‍ય સુવિધાઓનો અભાવ છે. કેન્‍દ્રની જગ્‍યા ખૂબ જ નાની હોવાથી દર્દીઓને પૂરતી અને યોગ્‍ય સારવાર મળી શકતી નથી.

બાબરા તાલુકામાં કુલ ૫૯ ગામો આવેલ છે અને શહેર તથા તાલુકાની કુલ વસ્‍તી આશરે દોઢ લાખથી વધુ છે. ઉપરાંત, રાજકોટ-ભાવનગર નેશનલ હાઇવે પર અવારનવાર ગંભીર અકસ્‍માતો સર્જાય છે. સમયસર અને પૂરતી સારવાર ન મળવાને કારણે અનેક વખત દુર્ભાગ્‍યપૂર્ણ ઘટનાઓ બનતી હોવાનું જોવા મળે છે.

હાલના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પ્રસુતિ, અકસ્‍માત અને ઇમરજન્‍સી કેસો માટે જરૂરી તબીબી સાધનો, પૂરતો સ્‍ટાફ તેમજ આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ નથી. પરિણામે દર્દીઓને ફરજિયાત બહારગામ રિફર કરવામાં આવે છે, જેના કારણે સમય અને પૈસાનો વ્‍યર્થ ખર્ચ થાય છે તેમજ દર્દીઓના જીવને પણ ગંભીર જોખમ ઊભું થાય છે.

આ મુદ્દે અગાઉ સ્‍વ. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્‍યમંત્રી તથા તત્‍કાલિન આરોગ્‍ય મંત્રીશ્રી નિતીનભાઈ પટેલ સાહેબ તેમજ હાલના આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબને તારીખ ૨૧/૦૧/૨૦૨૩ અને ૦૧/૦૫/૨૦૨૩ના રોજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

બાબરા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ દ્વારા પણ લોકોના હિતમાં સરકારશ્રી સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે.

અત્‍યારની ગંભીર પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી, બાબરા શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર તાત્‍કાલિક મંજૂર કરી તેનું નિર્માણ કરવામાં આવે તેવી લોકહિતમાં નમ્ર પરંતુ દ્રઢ માંગ કરવામાં આવે છે. આ નિર્ણયથી બાબરા તાલુકાના ૫૯ ગામોના નાગરિકોને સમયસર, સુલભ અને ગુણવત્તાયુક્‍ત આરોગ્‍ય સેવાઓ મળશે તેમજ અકસ્‍માત અને ઇમરજન્‍સી કેસોમાં અનેક કિંમતી માનવજીવો બચાવી શકાશે.તેમ અમારા બાબરા ના પ્રેસ પ્રતિનિધિ દિપક કનૈયા એ જણાવ્‍યું છે.

(1:33 PM IST)