<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

પોરબંદરના દરિયાકાંઠે ‘સાગર સુરક્ષા’ કવચ: આતંકી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતી સુરક્ષા એજન્સીઓની મેગા મોકડ્રિલ : પાકિસ્તાન સાથે જળ અને જમીન એમ બંને માર્ગે જોડાયેલા ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠાની સુરક્ષા ચકાસવા માટે કવાયત

સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના વેશમાં આવેલા ઘૂસણખોરોને ઝડપી પાડી હુમલાના મનસૂબાને નિષ્ફળ બનાવ્યા : ઓપરેશન દ્વારા એજન્સીઓએ સાબિત કર્યું કે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તમામ એજન્સીઓ વચ્ચે કેવું સંકલન હોવું જોઈએ

પોરબંદર તા.૭

દેશની દરિયાઈ સીમાઓ પર સતર્કતા વધારવા અને આતંકી હુમલાના જોખમોને ખાળવા માટે પોરબંદરના દરિયાકાંઠે બે દિવસીય 'સાગર સુરક્ષા' કવાયતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સાથે જળ અને જમીન એમ બંને માર્ગે જોડાયેલા ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠાની સુરક્ષા ચકાસવા માટે આ કવાયત હાથ ધરાઈ હતી, જેમાં સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના વેશમાં આવેલા ઘૂસણખોરોને ઝડપી પાડી હુમલાના મનસૂબાને નિષ્ફળ બનાવ્યા હતા.

 

આ ખાસ એક્સરસાઇઝમાં વ્યૂહાત્મક રીતે બે ટીમો બનાવવામાં આવી હતી. જેમાં 'રેડ ફોર્સ'ને આતંકીઓની ભૂમિકા સોંપવામાં આવી હતી, જ્યારે 'બ્લુ ફોર્સ'માં ભારતની વિવિધ કોસ્ટલ સિક્યોરિટી એજન્સીઓ અને સ્થાનિક પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રેડ ફોર્સને દરિયાઈ માર્ગેથી પ્રવેશીને શહેરના અલગ-અલગ મહત્વના પોઇન્ટ્સ પર હુમલો કરવાના ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. જેની સામે બ્લુ ફોર્સનું કામ આ ઘૂસણખોરીને ઓળખી કાઢી તેને સમયસર નિષ્ફળ બનાવવાનું હતું.

 

બે દિવસ સુધી ચાલેલી આ સઘન મોકડ્રિલમાં સુરક્ષા એજન્સીઓએ અત્યંત ચોકસાઈપૂર્વક કામગીરી કરી હતી. વિવિધ પોઇન્ટ્સ પરથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલી રેડ ફોર્સની કુલ ચાર બોટને સુરક્ષાકર્મીઓએ મધદરિયે જ આંતરી લીધી હતી. આ ઓપરેશન દ્વારા એજન્સીઓએ સાબિત કર્યું કે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તમામ એજન્સીઓ વચ્ચે કેવું સંકલન હોવું જોઈએ.

 

ગુજરાતનો દરિયો હંમેશા આતંકીઓના ટાર્ગેટ પર રહ્યો છે, ત્યારે આવી કવાયતો માત્ર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી જ નથી કરતી, પણ સુરક્ષા એજન્સીઓની ક્ષમતા અને સતર્કતાને પણ મજબૂત બનાવે છે. પોરબંદર પોલીસ અને કોસ્ટલ સિક્યોરિટીના આ સંયુક્ત ઓપરેશનથી સ્થાનિક સુરક્ષા કવચ વધુ અભેદ્ય બન્યું છે.

(4:18 PM IST)